DA Hike For July 2025: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થા (ડીએ) માં છેલ્લે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 78 મહિનામાં ડીએમાં આ સૌથી ઓછો વધારો છે. જાન્યુઆરી-જૂન 2025 ના સમયગાળા માટે તાજેતરમાં ડીએ વધારા પછી હાલ મોંઘવારી ભથ્થું 55 ટકા થઈ ગયું છે.
ડીએ એ એક પ્રકારનું કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટ એલાઉન્સ છે, જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરને સરભર કરવા માટે આપવામાં આવે છે. જાન્યુઆરી જૂન અને જુલાઈ ડિસેમ્બરના સમયગાળા માટે વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે કેન્દ્ર સરકાર માર્ચમાં એક અને બીજો ઓક્ટોબર નવેમ્બરમાં વધારો જાહેર કરતી હોય છે.
જાન્યુઆરી જૂનના સમયગાળા માટે ડીએમાં માત્ર 2 ટકાના વધારાથી નિરાશ થયેલા 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો હવે જુલાઈ-ડિસેમ્બરના સમયગાળા માટેના મોંઘવારી ભથ્થામાં વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તમને જણાવી દઇયે કે, 7મા વેતન પંચ હેઠળ ડીએમાં આ છેલ્લો વધારો હશે. સાતમાં પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થાય છે અને ત્યારબાદ 8માં પગાર પંચના અમલનો માર્ગ ખુલશે. જો કે હાલની પરિસ્થિતિઓને જોતા આઠમા પગાર પંચની ભલામણોનો જાન્યુઆરી 2026થી અમલ થાય તેવી શક્યતા ઓછી છે.
માર્ચના CPI – IW આંકડાથી વધુ DAમાં વધવાની અપેક્ષા
શ્રમ મંત્રાલય હેઠળના લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સ (સીપીઆઇ-આઇડબલ્યુ)ના માર્ચ 2025ના આંકડાએ આશા જગાવી છે. સીપીઆઇ-આઇડબલ્યુ ઇન્ડેક્સ માર્ચમાં 0.2 પોઇન્ટ વધીને 143.0 થયો હતો. જો કે, આ જાન્યુઆરીના 143.2 કરતા થોડું ઓછું છે, પરંતુ જ્યાં સુધી ડીએ વધારાની વાત છે, તે એક સકારાત્મક સંકેત છે કારણ કે એઆઈસીપીઆઈ-આઈડબ્લ્યુ પર આધારિત ફુગાવાના આંકડા નવેમ્બર 2024 પછી સતત ઘટ્યા હતા અને ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહ્યા હતા.
વાર્ષિક ધોરણે માર્ચમાં ફુગાવો 2.95 ટકા હતો, જે ફેબ્રુઆરી કરતા થોડો વધારે છે. ખાસ વાત એ છે કે ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર નિયંત્રણમાં રહ્યો હતો, જેના કારણે એકંદરે સીપીઆઇ-આઇડબલ્યુમાં થોડો વધારો નોંધાયો હતો.
CPI – IW આંકડા ધ્યાનમાં રાખીને ડીએમાં વધારાની ગણતરી કેવી રીતે થાય છે?
સાતમા પગારપંચની ભલામણો મુજબ સીપીઆઇ-આઇડબલ્યુના 12 મહિનાની સરેરાશ લઇ ડીએ/ડીઆર વધારાની ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં, જાન્યુઆરી 2025 થી ડીએ વધારીને 55% કરવામાં આવ્યું હતું. હવે, બધાની નજર સીપીઆઈ-આઈડબ્લ્યુના જુલાઈ 2025 માં સંભવિત વધારા અંગેના ડેટા પર છે.
જુલાઈ 2025 માં ડીએ કેટલું વધી શકે છે?
માર્ચ 2025 સુધીમાં સરેરાશના આધારે અંદાજિત ડીએ 57.06% પર પહોંચી ગયું છે. જો સીપીઆઈ-આઈડબ્લ્યુનો આંકડો એપ્રિલ, મે અને જૂન 2025માં સ્થિર રહે છે અથવા થોડો વધી જાય છે, તો આ સરેરાશ 57.86% સુધી જઈ શકે છે. એટલે કે જો સરેરાશ 57.50 ટકાથી વધુ હોય તો ડીએ વધીને 58 ટકા થઈ શકે છે. જો તે 57.50 ટકાથી નીચે રહે છે તો ડીએ 57% પર જ રહી શકે છે. આનો અર્થ એ છે કે ડીએમાં 2% કે 3% નો વધારો જુલાઈ 2025માં થવાની સંભાવના છે.
સાતમા વેતન પંચ અનુસાર ડીએની ગણતરી કરવાનો ફોર્મ્યુલા
ડીએ (%) = [(છેલ્લા 12 મહિનાના CPI – IW સરેરાશ) – 261.42 ÷ 261.42 × 1000
અહીં 261.42 સૂચકાંકનું આધાર મૂલ્ય છે. આ ફોર્મ્યુલા CPI – IW ના માસિક સરેરાશના આધારે ડીએ નક્કી કરે છે.
આગામી ત્રણ મહિના માટે AICPI – IW આંકડા નિર્ણાયક છે. એપ્રિલ, મે અને જૂન 2025 ના સીપીઆઈ-આઈડબ્લ્યુ ડેટા આવવાના બાકી છે, અને તેમની સરેરાશ જુલાઈમાં અંતિમ ડીએ નક્કી કરશે. જૂનનો ડેટા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં આવશે. જૂન 2025 સુધીના 12 મહિનાના ડેટા ઉપલબ્ધ થયા પછી, સરકાર જુલાઈ 2025 થી લાગુ થનારા નવા ડીએ અને ડીઆરની જાહેરાત કરશે.





