Delhi Airport Flight Delays : દિલ્હી એરપોર્ટ પર પાછલા કેટલાક દિવસોમાં ટેકનિકલ ખામીને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી, તેના કારણે અન્ય ઘણા એરપોર્ટની સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. હવે કહેવામાં આવી રહ્યું છે કે જો દિલ્હી એરપોર્ટે ઘણા મહિના પહેલા આપવામાં આવેલી ચેતવણીનું પાલન કર્યું હોત તો આવી સમસ્યા ઊભી ન થઈ હોત.
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે AMSS સિસ્ટમમાં ખામીના કારણે 800થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ઘણી ફ્લાઇટ્સ રિશિડ્યુલ કરવી પડી હતી, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી રવાના થઈ હતી. ઉપરાંત AMSS સિસ્ટમ બંધ હોવાને કારણે, ફ્લાઇટ પ્લાનિંગ મેસેજ પ્રક્રિયા મેન્યુઅલ રીતે કરવી પડી હતી. આ ટેકનિકલ ખામીને કારણે, ટર્મિનલ 1, 2 અને 3 પર મુસાફરોની લાંબી કતારો હતી.
સોશિયલ મીડિયા પર લોકોએ અહેવાલ આપ્યો હતો કે તેઓએ ઘણા કલાકો સુધી રાહ જોવી પડી હતી. AMSS સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી એરપોર્ટ પર જામ તો વધી જ પરંતુ તેની અસર ઉત્તર ભારતના ઘણા એરપોર્ટ પર પણ જોવા મળી હતી.
હવે આજ તકના રિપોર્ટ અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલર્સ ગિલ્ડ (એટીસી ગિલ્ડ) એ ઘણા મહિના પહેલા દિલ્હી એરપોર્ટને ચેતવણી આપી હતી. તે ચેતવણીમાં ઓટોમેશનમાં ઘણી ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમને ઠીક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હાલમાં, ડીજીએસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ખામી અંગે એએઆઈ અને એર નેવિગેશન સર્વિસીસ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પ્રારંભિક તપાસ બાદ આ સમસ્યાને ચોક્કસપણે સોફ્ટવેર ખામી માનવામાં આવી રહી છે.
દિલ્હી એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હવે તમામ ટેકનિકલ સમસ્યાઓ હલ થઈ ગઈ છે. તમામ ફ્લાઇટ્સ શેડ્યૂલ મુજબ રવાના થશે અને મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડશે નહીં.





