Delhi Assembly Election Result 2025 : દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપે 44 બેઠકો પર જીત મેળવી છે અને 4 સીટો પર આગળ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ 20 બેઠકો પર જીત મેળવી છે અને 2 સીટો પર આગળ છે. કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. દિલ્હીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિકાસ જીત્યો, સુશાસન જીત્યું.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે જનશક્તિ સર્વોપરી! વિકાસ જીત્યો સુશાસન જીત્યું. ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા વંદન અને અભિનંદન! તમે જે પુષ્કળ આશીર્વાદ અને સ્નેહ આપ્યો છે તે બદલ બધાનો હૃદયથી ઘણો-ઘણો આભાર.
મને મારા ભાજપના કાર્યકરો પર ખૂબ ગર્વ છે
પીએમ મોદીએ આગળ કહ્યું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોના જીવનને વધુ સારું બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે. સાથે જ અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. મને મારા ભાજપના બધા કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત કામ કર્યું હતું. હવે અમે વધારે મજબૂતીથી દિલ્હીવાસીઓની સેવા માટે સમર્પિત રઈશું.
આ અહંકાર અને અરાજકતાની હાર છે – અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીમાં જૂઠાણાંના શાસનનો અંત આવી થયો છે. આ અહંકાર અને અરાજકતાની હાર છે. આ ‘મોદી કી ગેરંટી’ અને મોદીજીના વિકાસના વિઝન પર દિલ્હીવાસીઓના વિશ્વાસની જીત છે. આ વિશાળ જનાદેશ માટે દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર. મોદીજીના નેતૃત્વમાં ભાજપ પોતાના તમામ વચનો પૂરા કરવા અને દિલ્હીને વિશ્વની નંબર-1 રાજધાની બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અથાક પરિશ્રમ કરનાર ભાજપના કાર્યકરોને અભિનંદન – જેપી નડ્ડા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે આપ-દા’ મુક્ત દિલ્હી! દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય પીએમ મોદીના સક્ષમ નેતૃત્વમાં સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, અંત્યોદય અને વિકાસની નીતિઓ પર લોકોના અતૂટ સમર્થનનો વિજય છે. દરેક બૂથ પર અથાક પરિશ્રમ કરનાર ભાજપના અમારા કાર્યકરો અને રાજ્યના નેતૃત્વને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
કેજરીવાલે કહ્યું – અમે લોકોના ચુકાદાને સ્વીકારીએ છીએ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે લોકોના ચુકાદાને સ્વીકારીએ છીએ. આ જીત બદલ ભાજપને અભિનંદન. અમે લોકોના સુખ-દુઃખમાં કામ કરતા રહીશું.
કેજરીવાલે એક વીડિયો સંદેશમાં કહ્યું કે જનતાનો જે પણ ચુકાદો છે અમે તેને પૂરી વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. હું ભાજપને તેમની જીત બદલ અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે લોકોએ જે આશા સાથે તેમને બહુમતી આપી છે. તે અપેક્ષાઓ પર ખરા ઉતરશે.
આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલને હરાવનાર પરવેશ વર્મા કોણ છે? જાણો બધી માહિતી
તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અમે ઘણું કામ કર્યું છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પાણી ક્ષેત્રે ઘણું કામ થયું છે. અમે અલગ અલગ રીતે લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. અમે દિલ્હીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાનો પ્રયાસ કર્યો છે. અમે હંમેશા લોકોના સુખ-દુઃખમાં ઉપયોગી બનીશું કારણ કે અમે સત્તા માટે રાજકારણમાં આવ્યા નથી.
કેજરીવાલે કહ્યું કે અમે રાજકારણને એક એવું માધ્યમ માનીએ છીએ જેના દ્વારા આપણે લોકોની સેવા કરી શકીએ છીએ. અમે માત્ર એક મજબૂત વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીએ, પરંતુ સમાજની સેવા કરતા રહીશું. લોકોના સુખ-દુઃખમાં આપણે આ રીતે કામ કરવાનું છે. હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપવા માંગુ છું. તેઓ શાનદાર ચૂંટણી લડ્યા.