Who is Parvesh Verma : આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી તેમના પ્રતિસ્પર્ધી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે હારી ગયા છે. આ હોટ સીટ પર કેજરીવાલનો કિલ્લો ધરાશાયી થયો છે. કેજરીવાલનો 3186 વોટથી પરાજય થયો છે.
આ જીત સાથે પ્રવેશ વર્મા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે અને બધા જાણવા માંગે છે કે તે કોણ છે. જેમણે કેજરીવાલને હરાવ્યા છે. કારણ કે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ તેમને હરાવી શકે નહીં. રિપોર્ટ અનુસાર 7 નવેમ્બર 1977ના રોજ જન્મેલા પ્રવેશ વર્માની કુલ આવક 10.72 કરોડ રૂપિયા છે. તેમણે એમબીએ કર્યું છે. તેમની પત્નીનું નામ શ્રીમતી સ્વાતિ સિંહ છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે.
કોણ છે પ્રવેશ વર્મા?
પ્રવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. તેમણે 2013ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી વિધાનસભા અધ્યક્ષ યોગેન્દ્ર શાસ્ત્રીને હરાવ્યા હતા. તેઓ મે 2014માં 16મી લોકસભા માટે ચૂંટાયા હતા અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની વિધાનસભાના સભ્ય બન્યા હતા. 1 સપ્ટેમ્બર, 2014થી શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિના સભ્ય બન્યા હતા. તેઓ શહેરી વિકાસ, આવાસ અને શહેરી ગરીબી નાબૂદી મંત્રાલયના સાંસદોના પગાર અને ભથ્થાઓ પરની સંયુક્ત સમિતિના સભ્ય પણ છે.
જીત બાદ પ્રવેશ વર્માએ શું કહ્યું
ચૂંટણીમાં જીત્યા બાદ મીડિયા સાથે વાત કરતા પ્રવેશ વર્માએ કહ્યું કે દિલ્હીમાં બનવા જઇ આ રહેલી આ સરકાર પીએમ મોદીના વિઝનને દિલ્હી લાવશે. આ જીતનો શ્રેય હું પીએમ મોદીને આપું છું. હું દિલ્હીના લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ પીએમ મોદી અને દિલ્હીની જનતાની જીત છે.
આ પણ વાંચો – દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત આ દિગ્ગજો હાર્યા
જ્યારે મીડિયા દ્વારા મુખ્યમંત્રી પદ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં ધારાસભ્ય દળ સીએમનો ચહેરો નક્કી કરે છે અને પછી પાર્ટી નેતૃત્વ તેને મંજૂરી આપે છે. તેથી પાર્ટીનો નિર્ણય બધાને મંજૂર રહેશે.
તેમણે જણાવ્યું કે હું નવી દિલ્હીના મતદારો, લાખો મહેનતુ કાર્યકરો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ ખરેખર તેમની જીત છે. લોકોએ તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. અમારી પ્રાથમિકતા મહિલાઓને 2,500 રૂપિયા આપવાની, ભ્રષ્ટાચારને રોકવા માટે એસઆઇટીની રચના, યમુના રિવરફ્રન્ટમાં પ્રદૂષણ ઘટાડવાની, ટ્રાફિક જામ ઘટાડવાની રહેશે. અમે એક એવી રાજધાની બનાવીશું જેના પર દરેકને ગર્વ થશે.
સીએમનો ચહેરો?
નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ પાર્ટીની અંદર પ્રવેશ વર્માનું કદ નોંધપાત્ર રીતે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમને દિલ્હીમાં મુખ્યમંત્રી પદના દાવેદાર પણ માનવામાં આવી રહ્યા છે. ચૂંટણી જીત્યા બાદ પ્રવેશ વર્મા પણ ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચી ગયા છે. જોકે સીએમની રેસમાં તેમના સિવાય બીજા પણ ઘણા ચહેરા છે.