Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રેન્ડ પ્રમાણે 48 સીટો પર આગળ છે અને આપ 22 સીટો પર આગળ છે. દિલ્હીની ચૂંટણી મોટા ઉલટફેર થતા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયાનો પરાજય થયો છે.
અરવિંદ કેજરીવાલનો નવી દિલ્હી સીટ પરથી પરાજય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને ભાજપના નેતા પ્રવેશ વર્માએ હરાવ્યા છે. કેજરીવાલનો નવી દિલ્હી સીટ પરથી 3186 વોટથી પરાજય થયો છે. જે આમ આદમી પાર્ટી મોટો ફટકો છે.
મનિષ સિસોદિયા પણ હાર્યા
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીમાં બે નંબર ગણાતા મનિષ સિસોદિયાનો પણ પરાજય થયો છે. મનિષ સિસોદિય જંગપુરાથી ચૂંટણી હારી ગયા છે. આ બેઠક પર ભાજપના તરવિંદરસિંહ મારવાહે જીત મેળવી છે. મારવાહે સિસોદિયાને લગભગ 600 મતોના અંતરથી હરાવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ પટપડગંજથી મનીષ સિસોદિયાની ટિકિટ કાપીને જંગપુરા મોકલી દીધા હતા, પરંતુ તેઓ અહીં હારી ગયા હતા. મનિષ સિસોદિયાએ અગાઉની બે વિધાનસભા ચૂંટણીમાં પટપડગંજથી ચૂંટણી જીતી હતી,
હાર બાદ સિસોદિયાએ શું કહ્યું?
પરાજય બાદ સિસોદિયાએ કહ્યું કે હું મારવાહજીને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી મત વિસ્તારના લોકો માટે કામ કરશે. અમે આ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીશું અને એક નિષ્કર્ષ પર પહોંચીશું. પાર્ટીના કાર્યકરોએ સારી લડત આપી હતી. અમે દરેકની મહેનતની પ્રશંસા કરીએ છીએ.
આ પણ વાંચો – દિલ્હી ચૂંટણી પરિણામ 2025 । ભાજપની જીત માટેના 5 કારણો, આપ કેમ હાર્યું!
મારવાહ ચોથી વખત ધારાસભ્ય બન્યા
બે વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મારવાહને ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પહેલા તેઓ 1998, 2003 અને 2008માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જંગપુરામાં દિલ્હીના પૂર્વ મેયર ફરહદ સૂરીએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
સૌરભ ભારદ્વાજે પણ સીટ ગુમાવી
આપના વધુ એક ચર્ચિત નેતા સૌરભ ભારદ્વાજનો પણ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયો છે. સૌરભનો ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠક પરથી ભાજપની શીખા રાય સામે પરાજય થયો છે. ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠકને દિલ્હીમાં પોશ વિસ્તારોવાળી હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવે છે.
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સૌરભ ભારદ્વાજે ગત ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ગ્રેટર કૈલાશ વિધાનસભા સીટ પર જીત મેળવી હતી. જોકે આ વખતે પરાજય થયો છે.
આ સિવાય રાજેન્દ્ર નગરથી દુર્ગેશ પાઠક, શકુરબસ્તી સીટથી સત્યેન્દ્ર જૈન અને માલવીય નગરથી સોમનાથ ભારતીનો પણ પરાજય થયો છે.