Delhi Chief Minister 2025: દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચાલી રહેલી રાહ હવે ખતમ થવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર ભાજપ ધારાસભ્ય દળની બેઠક 17 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાશે. આ બેઠકમાં પાર્ટીના તમામ 48 ધારાસભ્યો ભાગ લેશે. એએનઆઈએ એ પણ અહેવાલ આપ્યો છે કે શપથ ગ્રહણ સમારોહ 18 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક નામો બહાર આવી રહ્યા છે. 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ભાજપને 48 સીટો પર જીત મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીએ 22 સીટો જીતી હતી. 1998થી દિલ્હીમાં ભાજપ સત્તાથી બહાર હતો.
આ નેતાઓના નામની ચર્ચા
ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક નામો સતત ચર્ચામાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ દિલ્હીમાં મહિલા ધારાસભ્ય પર દાવ લગાવી શકે છે. મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, રેખા ગુપ્તા, વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય, શિખા રાયના નામ આગળ ચાલી રહ્યા છે.
ભાજપ ધારાસભ્ય દળનીઆ બેઠક થવાના સમાચાર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓની પણ બેઠક થઇ શકે છે.
શું ભાજપ ફરી ચોંકાવશે?
મુખ્યમંત્રીની પસંદગીની બાબતમાં ભાજપ દેશભરના રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઉત્તરાખંડ સહિત બીજા ઘણા રાજ્યોમાં ભાજપે ચોંકાવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 27 વર્ષ બાદ દિલ્હીની રાજનીતિમાં ભાજપ પરત ફર્યા બાદ કયા ધારાસભ્યને રાષ્ટ્રીય રાજધાનીના મુખ્યમંત્રી બનવાની તક આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવી શકે છે.
આ પણ વાંચો – કેવું હશે દિલ્હીમાં ભાજપ સરકારનું કેબિનેટ? જાણો શું છે ધારાસભ્યો માટે મંત્રી બનવાની ફોર્મ્યુલા
સીએમ શીશ મહેલમાં નહીં રહે – વિરેન્દ્ર સચદેવા
વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે અરવિંદ કેજરીવાલના ‘શીશ મહેલ’ને મોટો મુદ્દો બનાવી દીધો હતો. પાર્ટીનું કહેવું છે કે તેમના મુખ્યમંત્રી ‘શીશ મહેલ’માં નહીં રહે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે ‘શીશ મહેલ’ અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારનું પ્રતીક છે અને તેના કારણે દિલ્હીની જનતાને ઘણું સહન કરવું પડ્યું હતું. તેમણે કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી ‘શીશ મહેલ’માં નહીં રહે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે ‘શીશ મહેલ’ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા.





