Delhi CM Rekha Gupta vs Pravesh Verma Net Worth: રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. તો પરવેશ વર્માએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા છે. ગુજરાત જેમ દિલ્હીમાં પણ ભાજપે ડબલ એન્જિન સરકાર બનાવી છે. વૈશ્ય સમાજમાંથી આવતા રેખા ગુપ્તાએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે. તો પરવેશ વર્મા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે અને દિલ્હી રાજકારણમાં મોટું નામ છે. ચાલો જાણીયે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ડેપ્યુટી સીએમ પવરેશ વર્મા બંને માંથી સૌથી વધુ ધનવાન છે
Delhi CM Rekha Gupta Net Worth: રેખા ગુપ્તા પાસે કેટલી સંપત્તિ છે?
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમની ઉપર 1.20 કરોડ રૂપિયાથી વધુ દેવું છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ના ચૂંટણી સોગંદનામામાં આ જાણકારી આપી હતી.
રેખા ગુપ્તાએ નાણાકીય વર્ષ 2023-24માં પોતાની સંપત્તિ 6,92,050 રૂપિયા બતાવી હતી. તો વર્ષ 2022-23માં તેની આવક 4,87,850 રૂપિયા હતી. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં તેની આવક 6,51,771 રૂપિયા અને નાણાકીય વર્ષ 2020-21માં 6,07,910 રૂપિયા હતો. વર્ષ 2019-20માં ભાજપના ધારાસભ્યની આવક 5,89,710 રૂપિયા હતી.
તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રેખા ગુપ્તાએ જાહેર કર્યું હતું કે તેમની પાસે 1,48,000 રૂપિયાની રોકડ રકમ છે. તેમના પતિ પાસે 1,57,000 રૂપિયા રોકડા હતા. રેખા ગુપ્તા અને તેમના પતિના અલગ અલગ બેંક ખાતામાં કુલ 72 લાખથી વધુ રૂપિયા જમા હતા.
રેખા ગુપ્તા અને તેમના પતિ પાસે કુલ 9,29,000 રૂપિયાથી વધુના બોન્ડ, ડિબેન્ચર અને શેર છે. ભાજપના નેતાએ એનએસએસ અને પોસ્ટ સેવિંગ સ્કીમમાં કોઈ રોકાણ કર્યું નથી. તેમના અને તેમના પતિના નામે કુલ 53,68,323 રૂપિયાની જીવન વીમા પોલિસી (એલઆઈસી) છે.
રેખા ગુપ્તાના નામે કાર નથી જ્યારે તેના પતિ પાસે મારુતિ એક્સએલ6 2020 કાર છે જેની કિંમત 4 લાખ રૂપિયા છે. તેમની પાસે 18 લાખ રૂપિયાથી વધારે મૂલ્યના 225 ગ્રામના સોનાના દાગીના છે. તેમના પતિ પાસે 135 ગ્રામ સોનું છે, જેની કિંમત 11 લાખ રૂપિયાથી વધુ છે.
આ ઉપરાંત રેખા ગુપ્તા દિલ્હીના શાલીમાર બાગમાં પણ એક ઘર ધરાવે છે, જેની કિંમત હાલમાં ચૂંટણી સોગંદનામામાં 2 કરોડ રૂપિયાથી વધુ દર્શાવી છે.
Pravesh Verma Net Worth : પ્રવેશ વર્માની સંપત્તિ
પ્રવેશ વર્મા દિલ્હીના ડેપ્યુટી સીએમ બન્યા છે. પરવેશ વર્માએ પોતાની પર્સનલ નેટવર્થ 89 કરોડ રૂપિયા જણાવી છે. તેમની પત્ની સ્વાતિ સિંહની કુલ સંપત્તિ 24.4 કરોડ રૂપિયા છે. તેમના પરિવાર પાસે કુલ 114 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે પોતાના બાળકોના નામે 1 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. વર્મા પાસે 77.89 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે. તેમની સ્થાવર મિલકતની કિંમત 12.19 કરોડ રૂપિયા છે. સ્વાતિ સિંહની ચલ સંપત્તિની કિંમત લગભગ 17.53 કરોડ રૂપિયા છે. તેમની સ્થાવર મિલકતની કિંમત 6.91 કરોડ રૂપિયા છે.
હાલ પ્રવેશ વર્મા પાસે 2.2 લાખ રૂપિયાની રોકડ રકમ છે. તેની પત્ની પાસે 50,000 રૂપિયા છે. તેમની પાસે બેંકમાં કુલ 1.2 કરોડ રૂપિયા જમા છે. સાથે જ તેની પત્નીના નામે 42 લાખ રૂપિયા છે. વર્માએ શેર અને બોન્ડમાં 52.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પત્નીએ કુલ 16 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. વર્માના નામે એનએસએસ અને વીમા યોજનામાં 17 લાખ રૂપિયાનું રોકાણ છે. જ્યારે તેમની પત્નીએ આવી બચત યોજનાઓમાં કુલ 5.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ પણ વાંચો | ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યા? આ 4 પોઇન્ટમાં સમજો સમગ્ર રાજનીતિ
પ્રવેશ વર્માના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે 9 લાખ રૂપિયાની ટોયોટા ફોર્ચ્યુનર, 36 લાખ રૂપિયાની ટોયોટા ઇનોવા અને 11.77 લાખ રૂપિયાની XUV કાર છે. તેની પાસે 8.25 લાખ રૂપિયાની કિંમતનું 200 ગ્રામ સોનું પણ છે. તેમની પત્ની પાસે 110 ગ્રામ સોનું છે, જેનું મૂલ્ય 45 લાખ રૂપિયા આસપાસ છે.
પ્રવેશ વર્માએ વર્ષ 2023-24માં કુલ 19.6 કરોડ રૂપિયાની આવક દર્શાવી હતી. 2019-20માં તેમની આવક 92 લાખ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2023-24માં તેમની પત્નીની આવક કુલ 91.9 લાખ રૂપિયા હતી જ્યારે 2019-20માં તેમની આવક 5.3 લાખ રૂપિયા હતી.