Delhi Election Result 2025, Anna Hazare on Kejriwal: દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી કરતા ભાજપ આગળ દેખાય છે. ચૂંટણી પરિણામના ટ્રેન્ડ્સના નિર્ણાયક લીડ મળતાની સાથે જ સમર્થકોએ પાટનગરમાં ભાજપના મુખ્યાલયમાં ઉજવણી શરૂ કરી દીધી હતી. સમર્થકોએ ઢોલના તાલે નાચ્યા હતા અને ભાજપના ઝંડા લહેરાવ્યા હતા. આ દરમિયાન સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલ પર સવાલ ઉઠાવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે અન્ના હજારે
દિલ્હીની ચૂંટણીના પરિણામો પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું, “હું લાંબા સમયથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું ચરિત્ર સારું હોવું જોઇએ, સારા વિચારો હોવા જોઇએ અને છબી પર કોઇ ડાખ ન હોવો જોઇએ. પરંતુ, તેઓ આ વાત સમજી શક્યા નહીં. તેઓ દારૂ અને પૈસામાં ફસાઈ ગયા. આથી અરવિંદ કેજરીવાલની છબી ખરડાઈ છે અને તેથી જ તેમને ચૂંટણીમાં ઓછા મત મળી રહ્યા છે.
હું અરવિંદ કેજરીવાલથી દૂર છું – અન્ના હજારે
અન્ના હજારે વધુમાં કહ્યું કે, લોકોએ જોયું છે કે તે અરવિંદ કેજરીવાલ ચરિત્ર વિશે વાત કરે છે, પરંતુ દારૂમાં સંડોવાઇ જાય છે. રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ થાય છે, પરંતુ તમારે સાબિત કરવું પડશે કે તે દોષી નથી. જ્યારે મીટિંગ થઈ ત્યારે મેં નક્કી કર્યું કે હું પાર્ટીનો ભાગ નહીં બનું અને હું તે દિવસથી દૂર છું.
દિલ્હીમાં આપ હેટ્રિંક કરશે કે ભાજપ વાપસી કરશે?
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આ વખતે કૂલ મતદાન 60.54 ટકા થયુ હતું.જેમા 50.42 ટકા પુરુષ અને 44.08 ટકા મહિલા મતદાતા છે. જ્યારે 403 થર્ડ જેન્ડર મતદારોએ પણ મતદાન કર્યુ હતું. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છેલ્લા બે ટર્મથી દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. કેજરીવાલે સતત ત્રીજી વખત દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તો ભાજપ છેલ્લા 27 વર્ષથી દિલ્હીની સત્તામાંથી બહાર છે.





