Delhi Excise Policy Case: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં કેજરીવાલને આરોપી નંબર 37 અને આરોપી નંબર 38 તરીકે આમ આદમી પાર્ટીએ રાખી છે.
ચાર્જશીટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે કથિત દારૂ કૌભાંડથી આમ આદમી પાર્ટીને મળેલી 100 કરોડ રૂપિયાની લાંચમાંથી 45 કરોડ રૂપિયા હવાલા દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ માટે મોકલવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ કિંગપિન અને કાવતરાખોર છે ગોવાની ચૂંટણીમાં વપરાયેલા પૈસાની તેમને બધી જાણકારી હતી અને તે પોતે પણ તેમાં સામેલ હતા.
ઇડીએ વોટ્સએપ ચેટનો આપ્યો હવાલો
ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આરોપી વિનોદ ચૌહાણની વોટ્સએપ ચેટ્સની પુરી જાણકારી આપી છે. આરોપ છે કે બીઆરએસ નેતા કે કવિતાના પીએ વિનોદ દ્વારા ગોવા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને 25.5 કરોડ રૂપિયા પહોંચાડ્યા હતા. આ ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે વિનોદ ચૌહાણના અરવિંદ કેજરીવાલ સાથે સારા સંબંધો હતા.
આ પણ વાંચો – અરુણાચલના ડેપ્યુટી સીએમ, STF ચીફ, બ્રિજ ભૂષણના પુત્ર…, અયોધ્યામાં જમીન ખરીદવાની લાગી હોડ
આ ચાર્જશીટમાં સૌથી મોટી વાત એ છે કે ઇડીએ પણ પ્રોસિડ ઓફ ક્રાઇમ વિશે પણ જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપી વિનોદ ચૌહાણના ફોનમાંથી હવાલા નોટ નંબરના ઘણા સ્ક્રીન શોટ મળી આવ્યા છે. એટલું જ નહીં ઈડીએ કહ્યું કે આ પહેલા પણ ઈન્કમ ટેક્સે તેમને રિકવર કરી લીધા હતા. આ તમામ સ્ક્રીનશોટ દર્શાવે છે કે વિનોદ ચૌહાણ પ્રોસીડ ઓફ ક્રાઇમથી મળેલી રકમને હવાલા દ્વારા દિલ્હીથી ગોવામાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ બધા પૈસાનો ઉપયોગ ગોવાની ચૂંટણીમાં થવાનો હતો.
હવાલા દ્વારા ગોવા પહોંચાડ્યા પૈસા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ખુલાસો કર્યો હતો કે જે પણ પૈસા ગોવામાં પહોંચ્યા હતા તેનો બધો જ વહીવટ ચનપ્રીત સિંહ કરી રહ્યો હતો. હવાલા દ્વારા જે પૈસા ગોવા પહોંચ્યા તેને લઈને વિનોદ ચૌહાણ અને અભિષેક બોન પિલ્લઈ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે છે. અશોક કૌશિકે જ બોન પિલ્લઇના કહેવાથી વિનોદને બે અલગ અલગ તારીખે પૈસા પહોંચાડ્યા હતા. ઈડીએ પણ તેમનું નિવેદન લીધું છે.
ઇડીએ જણાવ્યું હતું કે વિજય નાયરે પણ દારૂની નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને અરવિંદ કેજરીવાલની ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ કેજરીવાલના ઇશારે કામ કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન સમીર મહેન્દ્રુએ જણાવ્યું હતું કે વિજય નાયરે તેમને કહ્યું હતું કે દારૂની નીતિ પાછળનો આખો ખેલ સીએમ અરવિંદ કેજરીવાલનો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આપના રાષ્ટ્રીય સંયોજક છે અને તેથી સંપૂર્ણ જવાબદારી તેમની પાસે છે.





