દિલ્હી હાઇકોર્ટે કર્મચારીના પેન્શન મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે બાંધકામ કામદારોના પેન્શનને લઈને મોટો ચુકાદો સંભળાવતા કહ્યુ કે, જો કોઈ બાંધકામ કામદારની જન્મતારીખમાં કોઈ વિસંગતતા હોય તો પણ તેના પેન્શનનો અધિકાર નકારી શકાય નહીં.
જસ્ટિસ પ્રતિભા સિંહની સિંગલ જજની બેન્ચે ગુરુવારે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે મોટી સંખ્યામાં બાંધકામ કામદારો અભણ અથવા ઓછા ભણેલા અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આથી શક્ય છે કે તેમના પરિવારોએ જન્મતારીખના દસ્તાવેજો યોગ્ય રીતે ન સાચવ્યા હોય અને મોટા ભાગના કિસ્સાઓમાં કુટુંબમાં પુખ્ત વયના લોકો પાસે ઉપલબ્ધ માહિતીના આધારે જન્મ તારીખની વિગત નોંધવામાં આવે છે.
ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, “બાંધકામ કામદારના પેન્શનનો અધિકાર માત્ર જન્મ તારીખમાં અમુક તફાવતને કારણે નકારી શકાય નહીં, સિવાય કે કામદારની ઓળખ સ્થાપિત ન કરી શકાય હોય અને દાવો બોગસ હોય.”
શું છે સમગ્ર મામલો
રઘુનાથ જે એક શ્રમિક છે, તેમણે દિલ્હી બિલ્ડિંગ એન્ડ અધર કન્ટ્રક્શન વર્કર્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ટ્રક્શન્સ ઓફ સર્વિસ) રૂલ્સ 2002ના નિયમ 273 હેઠલ પોતાની પેન્શન ચાલુ કરવાની માંગણી સાથે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2014ના રોજ રિટાયરમેન્ટની ઉંમરે પહોંચી ગયા અને 5 જાન્યુઆરી 2016ના રોજ પેન્શન માટે અરજી કરી. 19 માર્ચ 2013ના રોજ તેમનું દિલ્હી ભવન અને અન્ય બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડમાં તેનું રજિસ્ટ્રેશન થયુ હતુ.
તેમણે પોતાની અરજીમાં લખ્યુ કે, વારં-વાર પ્રયાસો અને અરજીઓ કરવા છતાં બોર્ડ દ્વારા પેન્શન ચાલુ કરવા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. બોર્ડ દ્વારા 10 જૂન 2020ના રોજ તેમને એક પત્ર જારી કરાયો, જેમાં લખ્યુ હતુ કે, તેમને શ્રમિક કાર્ડમાં નોંધાવેલી ઉંમરની વિગત અને આધારકાર્ડની વિગત બંને અલગ અલગ છે.
તેમણે બોર્ડને એક સોગંદનામું આપ્યું કે તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1955 છે અને પોતાનું આધાર કાર્ડ એકવાર ફરી જમા કરાવ્યું જેમાં જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1955 હતી. તેણે 17 સપ્ટેમ્બર 2020ના રોજ પત્રનો જવાબ પણ દાખલ કર્યો હતો.
રઘુનાથે કહ્યું કે તેમણે જવાબર રજૂ કર્યો હોવા છતાં તેમની અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 4 ફેબ્રુઆરી, 2021 ના રોજ બીજો પત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માન્ય વય પુરાવો સબમિટ કરવા અને રૂબરૂ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. અરજીમાં લાગુ વ્યાજ સાથે 1 જાન્યુઆરી, 2015 થી પેન્શન મુક્ત કરવાની પ્રાર્થના કરવામાં આવી છે.
અદાલતે કહ્યું કે, બોર્ડના રજિસ્ટ્રેશન કાર્ડ અને આધાર કાર્ડમાં અરજદારની જન્મતારીખ યોગ્ય રીતે નોંધાયેલી છે અને બે દસ્તાવેજો વચ્ચે કોઈ વિરોધાભાસ ન હતો.
અદાલતે નોંધ્યું હતું કે, નિવૃત્તિ સમયે રઘુનાથે એક વર્ષ કરતાં વધુ સમય સુધી બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કર્યું હતું અને સમગ્ર સમયગાળા માટે યોગદાન આપ્યું હતું. અદાલતે જણાવ્યું કે, હકીકત એ છે કે યોગદાનનો સમયગાળો તેમની સેવાનિવૃત્તિ બાદ થોડાક મહિના માટે લંબાવાઇ હતી, જેનાથી એવો અનુમાન લગાવી શકાય નહીં કે જન્મ તારીખ ખોટી હતી કે તેના કારણે પેન્શન સંબંધિત લાભો આપવા ઇન્કાર કરી શકાય.