Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે બાળક પર માત્ર માતા-પિતાનો જ અધિકાર નથી. દાદા-દાદીનો પણ તેટલો જ હક હોય છે. ચાર વર્ષની બાળકીના કેસમાં કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે બાળકની માતાને એમ પણ કહ્યું કે તે બાળકના દસ્તાવેજોમાંથી પિતાનું નામ ન હટાવે. એટલું જ નહીં કોર્ટે મહિલાને તેના બાળકના દાદા-દાદી સાથે વીડિયો કોલ પર વાત કરવાનો પણ આદેશ આપ્યો છે.
શું છે આખો કેસ?
એક મહિલા પોતાની ચાર વર્ષની દીકરી સાથે જર્મની ચાલી ગઈ હતી. ત્યારબાદ પિતાએ પુત્રીને આ કેસમાં રજૂ કરવા માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ મામલે બેન્ચે કહ્યું હતું કે બાળક હાલ બહુ નાનું હોવાથી તેણે હવે હાલ માતા સાથે રહેવું જોઇએ.
જોકે કોર્ટે કહ્યું કે આ દરમિયાન બાળકની તેના દાદા-દાદી સાથે વીડિયો કોલ પર વાત પણ કરાવવામાં આવે. કોર્ટે કહ્યું કે પૌત્ર કે પૌત્રી પર દાદા-દાદીનો પણ એટલો જ હક છે, જેટલો માતા-પિતા કે અન્ય સંબંધીઓનો હોય છે. કોર્ટે માતાને એમ પણ કહ્યું હતું કે બાળક ભલે તેની માતા સાથે રહેતું હોય, પરંતુ તેની રાષ્ટ્રીયતા ભારતીય જ રહેવી જોઈએ. પિતા પણ ભારતીય છે.
આ પણ વાંચો – અનામતની અંદર અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, કહ્યું ‘SC-ST માટે સબ-કેટેગરી બનાવી શકાય છે’
કોર્ટે શું કહ્યું
કોર્ટમાં જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને જસ્ટિસ અમિત શર્માની બેન્ચે કહ્યું હતું કે દાદા-દાદીનું તેમના પૌત્ર-પૌત્રીઓ સાથેનો લગાવ પુત્ર કરતા પણ વધારે હોય છે. માતાપિતા પોતાના બાળકોથી દૂરી સહન કરી શકતા નથી, તેવી જ રીતે દાદા-દાદી પણ તેમના પૌત્ર-પૌત્રીઓથી દૂરી સહન કરી શકતા નથી. આપણે તેમની ભાવનાઓનું પણ સન્માન કરવું જોઈએ. તેમના અધિકારોની અવગણના ન કરી શકાય. કોર્ટે કહ્યું કે જ્યારે પણ મહિલા બાળકને લઈને ભારત આવશે તો પિતા અને તેના દાદા-દાદી સાથે સમય વિતાવશે.





