/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-47.jpg)
મૃતક ગૌરવ સિંઘલ (Photo - Social Media)
Delhi Gaurav Singhal Murder Case : દિલ્હીમાં પિતા દ્વારા પુત્રની હત્યાની એક ગંભીર ઘટના બની છે. દિલ્હીમાં એક પિતાએ કથિત રીતે તેના 29 વર્ષીય જિમ ટ્રેનર પુત્રની તેના લગ્નના એક દિવસ પહેલા કાતર વડે હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પિતાએ અપમાનનો બદલો લેવા માટે પુત્રની હત્યા કરી છે. દિલ્હી પોલીસે ગુરુવારે રાત્રે હત્યારા પિતા રંગલાલ સિંઘલની ધરપકડ કરી હતી. સિંઘલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે લગ્નના એક દિવસ પહેલા તેના પુત્ર ગૌરવની હત્યા કરી હતી.
દક્ષિણ દિલ્હીના દેવલી એક્સટેંશનમાં ગુરુવારની રાત્રે 29 વર્ષીય ગૌરવ સિંઘલની તેના લગ્નના થોડાક કલાક પહેલા જ તેના ઘરમાં મૃતકના ચેહરા અને છાતી પર કાતર વડે 15 વખત હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, રંગલાલ સિંઘલ રાજસ્થાના જયપુરથી ઝડપાયો છે. પોલીસના મતે તેણે સાવધાનીપૂર્વક પોતાના પુત્રની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું,જેથી કોઇને તેની જાણ ન થાય.
હત્યા માટે રાતના 10 થી 11 વાગેનો સમય નક્કી કર્યો, જાણો કેમ?
કેસના તપાસ કરનાર પોલીસ અધિકારીએ કહ્યું કે, રંગલાલ સિંઘલે પુત્રની હત્યા માટે જાણી જોઇ રાતના સાડા 10 થી 11 વચ્ચેનો સમય નક્કી કર્યો કારણ કે તે દરમિયાન ઘર પાસે ઢોલ નગારા વાગી રહ્યા હતા અને ગૌરવ પોતાની પત્ની સાથે ફોન પર વાત કરવા બીજા રૂમમાં બેઠો હતો. પોલીસે કહ્યું કે, રંગલાલ સિંઘલને પોતાના પુત્રની હત્યાનો કોઇ પુછતાવો નથી. રંગલાલની ધરપકડ કરાઇ ત્યારે તેની પાસે 50 લાખ રૂપિયાના દાગીના અને 15 લાખ રૂપિયા રોકડ હતા, જેને લઇ તે ઘરથી ભાગ્યો હતો.
પુત્રએ પિતાને થપ્પડ માર્યો
પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, રંગલાલ સિંઘલે કહ્યું કે તેણે જે કર્યું તે બરાબર કર્યું છે. અત્યાર સુધી અમને જાણવા મળ્યું છે કે, બુધવારે રાત્રે પુત્ર અને પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે ગૌરવે તેના પિતાને થપ્પડ માર્યો હતો. આથી પિતા રંગલાલ નારાજ થયા અને તેમણે પુત્ર ગૌરવની ગરદન પર કાતર વડે હુમલો કર્યો. ગૌરવ કંઈ સમજે તે પહેલા લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો પણ તેના પિતા ઉપરા છાપરી કાતર વડે હુમલો કરતા રહ્યા.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમને ઘટના સ્થળ પરથી ત્રણ અલગ-અલગ પગના નિશાન મળ્યા છે. દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર અંકિત ચૌહાણે કહ્યું, “આ હત્યાનું કારણ પિતા અને પુત્ર વચ્ચેનો અણબનાવ હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પુત્ર બધાની સામે તેમનું અપમાન કરતો હતો અને તેની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો સુધારવા માટે થોડા દિવસો પહેલા તેના વિસ્તારમાં એક પંચાયત બોલાવવામાં આવી હતી, પરંતુ ગૌરવે ત્યાં પણ તેના પિતા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
અન્ય એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે ગૌરવ આ લગ્નની વિરુદ્ધ હતો અને તે જે યુવતી સાથે રિલેશનશીપમાં હતો તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. અધિકારીએ વધુમાં કહ્યું, “ગૌરવ પર તેના પિતા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે અમે તમામ એંગલથી મર્ડર કેસની તપાસ કરી રહ્યા છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us