Delhi New CM Rekha Gupta : દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની વરણી કરવામાં આવી છે. દિલ્હીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. રેખા ગુપ્તા શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપે રવિશંકર પ્રસાદ અને ઓ પી ધનખરને દિલ્હી માટે નિરીક્ષક નિયુક્ત કર્યા હતા. 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાનારા નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભાજપ આ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં લાગી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ આ સમારોહમાં સામેલ થશે.
ક્યાં થશે શપથ ગ્રહણ સમારોહ?
દિલ્હીના નવા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની શપથવિધિ ગુરૂવારે 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે થશે. આ કાર્યક્રમમાં 25,000થી 30,000 થી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે, જેમાં અગ્રણી હિન્દુ સંતો અને સ્થાનિક સમુદાયોના સભ્યો સામેલ થશે.
આ પણ વાંચો – રેખા ગુપ્તા કોણ છે, દિલ્હીના મુખ્યમંત્રી સુધીની સફર, કેવી રીતે બન્યા ભાજપના ખાસ નેતા
આ કાર્યક્રમમાં કોણ કોણ સામેલ થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં અનેક વીવીઆઇપી હાજર રહે તેવી શક્યતા છે. પાર્ટી તરફથી મુકેશ અંબાણી, ગૌતમ અદાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાયક કૈલાશ ખેર પણ પરફોર્મ કરે તેવી સંભાવના છે. સાથે જ અક્ષય કુમાર પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઇ શકે છે.
આ પણ વાંચો – નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મોદી સરકાર માટે કેમ છે ખાસ? જાણો
દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પર સ્પેશિયલ સીપી કાયદો અને વ્યવસ્થા રવિન્દ્ર સિંહ યાદવે કહ્યું કે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને કાલે સવાર સુધી બધુ બરાબર થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શપથ ગ્રહણ સમારોહમાં વિશાળ જનમેદની હાજર રહેવાની ધારણા હોવાથી અમે માત્ર સામાન્ય લોકો માટે જ નહીં, પરંતુ સમારંભમાં ભાગ લેનારા વીઆઇપીઓ માટે પણ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી રહ્યા છીએ.અમારી પાસે કાયદો અને વ્યવસ્થામાં ડીસીપી કક્ષાના 15 જેટલા અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓ પણ છે.





