Delhi Car Blast, Delhi Red Fort Blast : રાજધાની દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર થયો હતો. વિસ્ફોટને કારણે ઘણા વાહનોને પણ ભારે નુકસાન થયું છે.
આ વિસ્ફોટના કારણે લોકોમાં ભયનું માહોલ છે. વિસ્ફોટ સમયે આસપાસના લોકોમાંથી એક વલી ઉર રહેમાને મીડિયાને જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો વિસ્ફોટ સાંભળ્યો નથી અને મને લાગ્યું કે હું મોતના મોઢામાંથી બહાર આવ્યો છું.
પ્રત્યક્ષદર્શીએ કહ્યું – એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે
લાલ કિલ્લા નજીક દુકાન ચલાવતા આ યુવકે કહ્યું કે હું દુકાનમાં બેઠો હતો ત્યારે અવાજ આવ્યો, વિસ્ફોટ થયો હતો. હું ખુરશી પર બેઠો હતો. અચાનક આટલો જોરદાર વિસ્ફોટ થયો. મેં મારી જિંદગીમાં ક્યારેય આવો વિસ્ફોટ સાંભળ્યો નથી. હું વિસ્ફોટથી ત્રણ વખત પડી ગયો, એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે. હું દુકાનની બહાર દોડી ગયો, લોકો પણ મારી સાથે ભાગ્યા હતા, લોકો એકબીજા પર પડતા હતા. તે સમયે એવું લાગ્યું કે અમે મરી જઈશું. તે એક એવો નજારો હતો કે અમે અમારા મોતને જોઈ રહ્યા હતા. બે લોકોએ મને સમજાવ્યું, હવે મેં દુકાન બંધ કરી દીધી છે.
આ પણ વાંચો – દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ, 8 ના મોત, 24 ઇજાગ્રસ્ત
જ્યારે સ્થાનિક રહેવાસી રાજધર પાંડેએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી મેં મારા ઘરમાંથી આગની જ્વાળાઓ જોઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનાથી ઓરડાની બારી હચમચી ગઈ હતી.
અન્ય સ્થાનિક રહેવાસીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ વિસ્ફોટ પછી અમે રસ્તા પર કોઈનો હાથ જોયો અને જ્યારે અમે નજીક પહોંચ્યા ત્યારે અમે રસ્તા પર શરીરના ભાગો વેરવિખેર જોયા હતા. શું થયું તે કોઈને સમજાતું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે આ વિસ્ફોટમાં ઘણી કારને નુકસાન થયું છે.





