Delhi Blast History : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે અને એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થયો હતો ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે આ પછી ઘણા વાહનોમાં આગ લાગી હતી.
પીએમ મોદીએ શું કહ્યુ
દિલ્હી બ્લાસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું કે આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. અસરગ્રસ્ત લોકોની મદદ અધિકારી કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
દિલ્હીમાં ક્યારે-ક્યારે થયા બ્લાસ્ટ?
- 25 મે 2011ના રોજ દિલ્હી હાઈકોર્ટના પાર્કિંગમાં થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા.
- 27 સપ્ટેમ્બર 2008ના રોજ મેહરૌલીના ફ્લાવર માર્કેટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
- 13 સપ્ટેમ્બર 2008ના રોજ કરોલ બાગના ગફાર માર્કેટ, કનોટ પ્લેસ અને ગ્રેટર કૈલાશ 1માં પાંચ વિસ્ફોટ થયા હતા, જેમાં લગભગ 30 લોકોના મોત થયા હતા.
- 29 ઓક્ટોબર 2005ના રોજ સરોજિની નગર, પહાડગંજ અને ગોવિંદપુરીમાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં 62 લોકોના મોત થયા હતા.
- 22 મે 2005ના રોજ લિબર્ટી અને સત્યમ સિનેમા હોલમાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં 1 વ્યક્તિનું મોત થયું હતું.
- 14 એપ્રિલ 2006ના રોજ જામા મસ્જિદના આંગણામાં બે વિસ્ફોટ થયા હતા.
- 27 ફેબ્રુઆરી 2000ના રોજ પહાડગંજમાં વિસ્ફોટ થયો હતો.
- 16 માર્ચ 2000ના રોજ સદર બજારમાં વિસ્ફોટ થયો હતો.
- 18 જૂન 2000ના રોજ લાલ કિલ્લા નજીક બે શક્તિશાળી વિસ્ફોટ થયા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા.
- 30 ડિસેમ્બર 1997ના રોજ પંજાબી બાગ નજીક બસ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા.
- 30 નવેમ્બર 1997ના રોજ લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા.
- 26 ઓક્ટોબર 1997ના રોજ કરોલ બાગ માર્કેટમાં બે વિસ્ફોટ થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
- 18 ઓક્ટોબર 1997ના રોજ રાણી બાગ માર્કેટમાં બે વિસ્ફોટ થયા હતા અને 1 વ્યક્તિનું મોત થયું હતું.
- 10 ઓક્ટોબર 1997ના રોજ શાંતિવન, કૌડિયા બ્રિજ અને કિંગ્સવે કેમ્પ વિસ્તારમાં ત્રણ વિસ્ફોટ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું.
- 1 ઓક્ટોબર 1997ના રોજ સદર બજાર નજીક બે બોમ્બ વિસ્ફોટ થયા હતા.
- 25 મે 1996ના રોજ લાજપત નગર સેન્ટ્રલ માર્કેટમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા.
અમિત શાહે શું કહ્યું
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા વિસ્ફોટ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. આજે સાંજે 7 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. કેટલાક રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચો – પ્રત્યક્ષદર્શીએ દિલ્હી વિસ્ફોટની ભયાનકતા વર્ણવી, ‘એવું લાગ્યું કે ધરતી ફાટવાની છે, અમે નજરે મોત જોયું’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટની માહિતી મળતાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ બ્રાન્ચની ટીમો 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ NSG, NIA અને FSLની ટીમો પણ પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. નજીકના તમામ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનર અને સ્પેશિયલ બ્રાન્ચના વડા સાથે વાત કરી છે, જે બંને હાલમાં ઘટનાસ્થળે હાજર છે.





