દેવેન્દ્ર ફડણવીસ મેયરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર અને જીવન સિદ્ધિઓ

Devendra Fadnavis: મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મહારાષ્ટ્રના CM બનવા જઇ રહ્યા છે. નાગપુરના મેયરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની એમની રાજકીય સફર અને જીવન સિદ્ધિઓ વિશે અહીં જાણો. ગળથૂથીમાં જ રાજકીય પાઠ શીખનાર ફડણવીસ રાજકારણના મહારથી છે. શાંત અને સશક્ત નેતા ફડણવીસ સાથે કેટલાક વિવાદ પણ જોડાયેલા છે.

Written by Haresh Suthar
Updated : December 04, 2024 18:13 IST
દેવેન્દ્ર ફડણવીસ મેયરથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર અને જીવન સિદ્ધિઓ
Devendra Fadnavis : દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

Devendra Fadnavis: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે. મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનનાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની બાગડોર ફરી એકવાર પોતાના શિરે લેવા જઇ રહ્યા છે. નાગપુર મેયરથી લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર ખેડનાર દેવેન્દ્ર ફડણવીસ સશક્ત નેતા છે. રાજકારણના પાઠ તેઓને ગળથૂંથીમાં મળ્યા છે. અહીં તેમનો જીવનપ્રવાસ, શિક્ષણ, અને રાજકીય સફર અંગે સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. આવો એમના વિશે વધુ જાણકારી મેળવીએ.

મહારાષ્ટ્રના યુવા નેતા દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ, મહારાષ્ટ્રના યુવા નેતા અને રાજકીય ક્ષિતિજ પર એક અસરકારક નેતા છે. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે સેવાઓ આપી ચૂક્યા છે અને ફરીથી તે મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. વિકાસલક્ષી નેતૃત્વ માટે તે ચર્ચામાં છે. સ્ટ્રોંગ લીડરશીપ અને દૂરંદેશીને લીધે તેઓ સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રભાવશાળી નેતાની છાપ ધરાવે છે.

દેવેન્દ્ર ફડણવીસ: બાળપણ, શિક્ષણ અને કરિયર પર એક નજર

બાળપણ : દેવેન્દ્ર ફડણવીસનો જન્મ 22 જુલાઈ 1970, નાગપુર, મહારાષ્ટ્ર માં થયો હતો. તેઓ રાજકીય પૃષ્ઠભૂમિવાળા બ્રાહ્મણ કુટુંબમાંથી આવે છે. તેમના પિતા, ગંગાધર ફડણવીસ, મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને જનસંઘના નેતા હતા. માતા સરિતા ફડણવીસ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા હતા. પિતા પીઢ રાજકીય નેતા હોવાને લીધે દેવેન્દ્ર ફડણવીસને ગળથૂંથી જ રાજકીય પાઠ શીખવા મળ્યા હતા.

શિક્ષણ : ફડણવીસે નાગપુરથી શાળાનું શિક્ષણ પૂરું કર્યું અને ત્યારબાદ નાગપુર યુનિવર્સિટી માંથી કાયદાની (L.L.B.) ડિગ્રી મેળવી. તેમણે બિઝનેસ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું.

રાજકીય કરિયર : દેવેન્દ્ર ફડણવીસે પોતાની રાજકીય યાત્રાની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે કરી. 1992માં, માત્ર 22 વર્ષની ઉંમરે, તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કૉર્પોરેટર તરીકે ચૂંટાયા. માત્ર 27 વર્ષની ઉંમરે તેઓ નાગપુરના મેયર બન્યા. રાજકીય ક્ષેત્રે દેવેન્દ્ર ફડણવીસની આ પ્રથમ મોટી સિદ્ધિ હતી.

ધારાસભ્ય અને મુખ્યમંત્રી

  • 1999: નાગપુર દક્ષિણ પશ્ચિમ મતવિસ્તારમાંથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
  • 2014: મહારાષ્ટ્રના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બન્યા અને પાંચ વર્ષ સુધી રાજ્યમાં શાસન કર્યું.
  • 2022: એકનાથ શિંદે સાથે ગઠબંધન સરકારમાં ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે સ્થાન મેળવ્યું.

દેવેન્દ્ર ફડણવીસની મુખ્ય સિદ્ધિઓ:

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા (2014-2019). ફડણવીસે રાજ્યમાં વિકાસલક્ષી અને પારદર્શક શાસન માટે પહેલ કરી હતી. તેઓ બિન-મરાઠા મુખ્યમંત્રીઓમાં પ્રખ્યાત બની અને રાજકીય સમીકરણમાં નવી દિશા આપી.

સમૃદ્ધિ મહામાર્ગ (Mumbai-Nagpur Expressway): આ પ્રોજેક્ટ રાજ્યના ઘણા ભાગોમાં ઈકોનોમિક ડેવલપમેન્ટ માટે મુખ્ય ચિહ્નરૂપ છે. 701 કિલોમીટરના આ મહામાર્ગે ગ્રામીણ વિસ્તારોમાં નવી તકો ઊભી કરી.

મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ : તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ માટે મોટી માત્રામાં ફંડ અને આયોજન કરવામાં આવ્યું, જે મહાનગરના ટ્રાફિક સમસ્યાઓને હળવી કરવામાં સહાયરુપ છે.

જલયુક્ત શિવાર અભિયાન: આ અભિયાન દ્વારા મહારાષ્ટ્રના ગ્રામિણ વિસ્તારોમાં પાણીની તંગી દૂર કરવા માટે યોગ્ય પગલાં ભરાયા. તેમણે 16 હજાર જેટલા ગામડાંમાં પાણીનો જથ્થો સંગ્રહ ક્ષમતા વધારવામાં ઉપયોગી બન્યું.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ કટિબદ્ધતા: મુખ્યમંત્રી પદે હોય કે વિપક્ષમાં, ફડણવીસે હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું, ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના સિંચાઇ પ્રોજેક્ટમાં ખોટો ખર્ચ બહાર પાડ્યો.

આધુનિક વિકાસ: નાગપુરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ હબ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટની શરૂઆત કરી.

વૈશ્વિક રોકાણ : ફડણવીસે મુંબઈમાં મેક ઇન મહારાષ્ટ્ર કેમ્પેઇન દ્વારા વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા મહત્ત્વનું કામ કર્યું, જેનો ઉદ્દેશ રાજ્યમાં નોકરીના અવકાશો ઊભા કરવાનો હતો.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા કેમ છે? જાણો 6 કારણ

  • વિકાસલક્ષી નેતૃત્વ : ફડણવીસે મુખ્યમંત્રી તરીકે (2014-2019) મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ મહામાર્ગ, મુંબઈ મેટ્રો, અને ગ્રામીણ વિસ્તારો માટે જલયુક્ત શિવાર અભિયાન સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપ્યું. જેનાથી રાજ્યનું અર્થતંત્ર મજબૂત બન્યું.
  • ભ્રષ્ટાચાર વિરોધી છાપ : ફડણવીસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેવા જાણીતા છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે મહારાષ્ટ્રમાં સિંચાઇ પ્રોજેક્ટ્સમાં થયેલા ભ્રષ્ટાચારને બહાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • યુવા અને નવિન વિચારધારા : ફડણવીસે 27 વર્ષની ઉંમરે નાગપુરના મેયર તરીકે સેવા આપી અને નવી દિશા આપવાનું પોતાનું પ્રારંભિક નેતૃત્વ સાબિત કર્યું. જે યુવા પેઢીને રાજકારણમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • મજબૂત નેતા : મહારાષ્ટ્રમાં ભાજપ રાજકીય રીતે મજબૂત થયું એમાં ફડણવીસ મહત્વના છે. 2014માં ભાજપને રાજ્યમાં જે જીત મળી, તે તેઓના નેતૃત્વ હેઠળ શક્ય બની. રાજ્યમાં ગઠબંધન સફળતાપૂર્વક પાર પાડ્યું.
  • રાજકીય કૌશલ્ય : વિપક્ષે વિવાદો ઊભા કર્યા હોવા છતાં ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય જટિલતાઓને સરળતાથી હલ કરી છે. રાજ્યમાં 2022માં શિવસેના અને એનસીપી વિમુખ ભાગ સાથે ગઠબંધન રચવામાં તેમની રાજકીય સમજણ સ્પષ્ટ દેખાય છે.
  • કટિબદ્ધતા અને લીડરશિપ : ફડણવીસે રાજકીય જીવનમાં અનેક પડકારોને સફળતાપૂર્વક સંભાળ્યા છે. રાજકીય તેમજ વિકાસલક્ષી નેતૃત્વના માપદંડના આધારે તેઓ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા તરીકે ઉપસી આવ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાયેલ વિવાદ

  • ભારત માતા કી જય વિવાદ (2016) : એક રેલી દરમિયાન ફડણવીસે જણાવ્યું કે દરેક ભારતીયે “ભારત માતા કી જય” બોલવું જોઈએ, અને જેમને આ નારો બોલવો નથી, તેઓએ દેશ છોડવું જોઈએ. આ નિવેદન પર અનેક સમુદાયોએ આક્ષેપ કર્યા કે આ ધાર્મિક રીતે ઝુકાવવાળા નિવેદન છે. ફડણવીસે આના માટે સ્પષ્ટતા આપી કે તેમનો આશય ધાર્મિક નહોતો​.
  • ઔરંગઝેબ ટિપ્પણી (2023) : કોલ્હાપુરમાં સમુદાય વચ્ચેના તણાવ દરમિયાન ફડણવીસે એવા લોકોને “ઔરંગઝેબ કી ઔલાદ” કહ્યા જે ઔરંગઝેબનું મહિમા ગાન કરતા હતા. આ વિવાદ ભારે ચગ્યો હતો.
  • ફોન ટેપિંગ આક્ષેપ : મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ફડણવીસ પર રાજકીય હેતુસર ફોન ટેપિંગનો આરોપ મૂકાયો હતો. વિપક્ષે રાજ્ય મશીનરીનો દુરુપયોગ કરવાના આક્ષેપો કર્યા, જ્યારે ફડણવીસે આ આરોપો પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા​ હતા.
  • નદી સંરક્ષણ મ્યૂઝિક વીડિયો (2018) :ફડણવીસ અને તેમની પત્ની એક મ્યૂઝિક વીડિયોમાં ડાન્સ કરતા અને આલિંગન કરતા દેખાતાં આ મામલે વિપક્ષે આપત્તિ વ્યક્ત કરી વિવાદ સર્જ્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું શ્રેય ધરાવે છે. શિવસેના અને એનસીપી સાથેના સંગઠન સહિત મામલે દાખવેલી કૂનેહથી એમનું રાજકીય કદ વધુ વિસ્તૃત થયું. મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવતાં સાથી પક્ષોના સહયોગથી દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ