Himachal Pradesh Sammu Village No Celebrates Diwali: દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. સમગ્ર દેશ દિવાળીની ઉજવણીમાં મગ્ન છે. જો કે ભારતમાં એક ગામ એવું છે જ્યાં સેંકડો વર્ષોથી દિવાળી ઉજવાતી નથી. દિવાળીના દિવસે આ ગામના લોકો પોતાના ઘરમાં કેદ રહે છે. આ ગામમાં સેંકડો વર્ષોથી દિવાળી ઉજવાતી નથી અને તેનું કારણ એક શ્રાપ માનવામાં આવે છે. આ શ્રાપના કારણે આ ગામના લોકો દિવાળી ઉજવણીથી વંચિત છે.
દિવાળી પર ગામના તમામ ઘરોમાં સન્નાટો
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાથી 25 કિમી દૂર આવેલા સમ્મુ ગામમાં લોકો દિવાળી તહેવારની ઉજવણીથી વંચિત છે. ગામલોકોનું માનવું છે કે દિવાળીની ઉજવણીથી આપત્તિ અથવા અકાળ મૃત્યુ થઈ શકે છે. દીવા પ્રગટાવવા સિવાય બીજી કોઈ ઉજવણી થતી નથી અને જો કોઈ પરિવાર આકસ્મિક રીતે ફટાકડા ફોડવાનો પ્રયાસ કરે તો ગામ પર કોઇ આપત્તિ આવે છે. આ જ કારણ છે કે આ દિવસે લોકો ઘરોમાં રહે છે અને બહાર નીકળવાનું ટાળે છે.
ગામના વડીલો કહે છે કે, આ શ્રાપ પેઢી દર પેઢી ચાલી રહ્યો છે. 70 વર્ષીય વૃદ્ધે કહ્યું કે, જે વ્યક્તિએ દિવાળી ઉજવવાનો પ્રયાસ કરે છે, તે પછી ગામમાં કોઈને કોઈ આફત આવે છે. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ઘણી વખત હવન અને યજ્ઞ હવન કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. ગામની એક મહિલાએ જણાવ્યું કે દિવાળી પર તેના દિલમાં નિરાશા રહે છે. જ્યારે અન્ય સ્થળોએ લોકો ખુશીથી દિવાળી તહેવારની ઉજવણી કરે છે, ત્યારે આ દિવસે તેમના ગામમાં સન્નાટો હોય છે.
શ્રાપની કહાણી
આ શ્રાપની કહાણી એ દિવસથી શરૂ થાય છે જ્યારે વર્ષો પહેલા ગામની એક ગર્ભવતી મહિલા તેના પતિ સાથે સતી થઇ હતી. દિવાળીના દિવસે તે પોતાના પિયર જવા નીકળી હતી, પરંતુ રસ્તામાં તેને પતિના મોતના સમાચાર મળ્યા હતા. આ ઊંડો આઘાત સહન ન કરી શકવાને કારણે તે પતિ સાથે સતી થઈ ગઈ અને ગામને શ્રાપ આપીને ચાલી ગઈ કે અહીંના લોકો ક્યારેય દિવાળી ઉજવી શકશે નહીં. ત્યારથી આ ગામમાં દિવાળી તહેવાર ઉજવવામાં આવ્યો નથી. ગામ લોકો માત્ર એ સતીની મૂર્તિની પૂજા કરે છે, પરંતુ દિવાળી ઉજવતા નથી.
શ્રાપની પીડા
આ શ્રાપની કહાણી માત્ર સમ્મૂ ગામની જ નહીં, પણ એવા લોકોની પણ છે જેઓ શ્રાપ અને પરંપરાને કારણે દિવાળી તહેવાર ઉજવવાથી વંચિત છે. આજના સમયમાં પણ શ્રાપને કારણે ગામના લોકો દિવાળી જેવા તહેવારથી વંચિત છે. ગામના લોકોના દિલમાં ક્યાંકને ક્યાંક એવી આશા જરૂર છે કે એક દિવસ આ શ્રાપ સમાપ્ત થશે અને તેઓ પણ આ તહેવારની ઉજવણી કરી શકશે.





