Diwali 2025 : દેશભરમાં દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બાળકો અને વડીલો સહિત પરિવારના દરેક સભ્ય આ રોશની અને આનંદના તહેવારને પોતાની રીતે ખાસ બનાવવા માટે દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. લોકો તેમના ઘરના દરેક ખૂણામાંથી અંધકાર દૂર કરવા માટે દીવા પ્રગટાવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિમાચલ પ્રદેશમાં એક ગામ છે જ્યાં લોકો દિવાળી પર ફટાકડા ફોડવાનુ તો દૂરની વાત એક પણ દીવો પ્રગટાવવાનું ટાળે છે. કેટલાક લોકો ખુશી કે પરંપરાથી નહીં, પરંતુ સતીના શ્રાપને કારણે આવું કરે છે. ચાલો જાણીએ આ સુંદર ગામની શું છે કહાની.
એક સુંદર ગામની ડરાવની કહાની
હિમાચલ પ્રદેશના પહાડોમાં વસેલું સમ્મુ ગામ હમીરપુર જિલ્લાથી લગભગ 25 કિલોમીટર દૂર સ્થિત છે. આ ગામ સાથે સંકળાયેલી લોકવાયકાઓ અને પરંપરાઓ અનુસાર ઘણા વર્ષો પહેલાં ગામની એક ગર્ભવતી સ્ત્રી દિવાળી ઉજવવા માટે તેના માતાપિતાના ઘરે ગઈ હતી. તેનો પતિ જે સ્થાનિક રાજાની સેનામાં સૈનિક હતો, જે યુદ્ધમાં માર્યો ગયો હતો. પતિના મૃત્યુના સમાચાર મળતાં તે ખૂબ જ દુખી બનીને ગામમાં પાછી ફરી હતી. પાછા ફરતાં દુઃખ સહન ન કરી શકી અને તે તેના પતિની ચિતા પર કૂદી પડી અને સતી થઈ ગઇ હતી.
સતી થતા પહેલા મહિલાએ આખા ગામને ભયંકર શાપ આપ્યો કે આ ગામમાં ક્યારેય દિવાળી ઉજવવામાં આવશે નહીં, અને જો કોઈ આવું કરશે તો તેમના પર ભયંકર આફત આવશે. આ ઘટના પછી ગામલોકો માને છે કે દિવાળી ઉજવવાથી તેમના પર દુર્ભાગ્ય, મૃત્યુ અથવા મોટી આફત આવી શકે છે.
ગામના સરપંચ આ પરંપરા વિશે શું કહે છે?
હિમાચલ પ્રદેશના આ ગામની સરપંચ વીણા દેવી કહે છે કે સદીઓ પછી પણ આ રિવાજનું કડકાઇ સાથે પાલન કરવામાં આવે છે. ત્રણ વર્ષ પહેલાં ગામલોકોએ શ્રાપ તોડવા માટે એક મોટો યજ્ઞ કર્યો હતો પરંતુ તેમ છતાં કોઈ ફેરફાર થયો ન હતો. સ્થાનિક રહેવાસીઓ કહે છે શ્રાપની તાકાત એટલી મજબૂત છે કે અમે ઘરની અંદર જ રહીએ છીએ. લોકો દિવાળી પર પણ પોતાના ઘરો છોડતા નથી. દિવાળીના દિવસે પણ ગામમાં અંધારામાં છવાયેલું રહે છે. કેટલાક લોકો થોડા દીવા પ્રગટાવે છે, પરંતુ કોઈ ઉજવણી કે મીઠાઈનો મંગલ કરતા નથી. જોકે ગ્રામજનોને આશા છે કે એક દિવસ આ શાપ તૂટી જશે અને તેઓ પણ દિવાળીનો આનંદ માણી શકશે.
આ પણ વાંચો – સોનાની છડી, રત્નો અને…,પાંચ દશક પછી ખોલવામાં આવેલા બાંકે બિહારી મંદિરમાં ભોયરામાં શું-શું મળ્યું?
સતીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે
દિવાળી પર લોકો ફક્ત સતીની મૂર્તિની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ગ્રામજનો ગામની બહાર સ્થાયી થાય તો પણ સતીનો શ્રાપ તેમનો પીછો છોડતો નથી. એક પરિવાર ગામથી દૂર જઇને રહેવા લાગ્યો હતો. જ્યારે તેઓએ ત્યાં સ્થાનિક દિવાળી વાનગીઓ બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના ઘરમાં અચાનક આગ લાગી હતી.