અનામતને લઇને અમિત શાહના ફેક વીડિયો પર એક્શનમાં દિલ્હી પોલીસ, તેલંગાણાના સીએમને સમન્સ મોકલ્યું

ગૃહમંત્રી અમિત શાહના વીડિયોના મામલામાં જે પણ સામેલ છે કે પછી તેમણે એડિટિંગ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરી છે. તેમની સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે પૂછપરછ કરવામાં આવશે

Written by Ashish Goyal
April 29, 2024 20:36 IST
અનામતને લઇને અમિત શાહના ફેક વીડિયો પર એક્શનમાં દિલ્હી પોલીસ, તેલંગાણાના સીએમને સમન્સ મોકલ્યું
એક ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ (તસવીર - બીજેપી ટ્વિટર)

Doctored video of Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળ્યા હતા . ભાજપ અને ગૃહ મંત્રાલય બંનેએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. બંનેની ફરિયાદ પર કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે એફઆઈઆર પણ નોંધી છે અને આ કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે.

તમને જણાવી દઈએ કે અમિત શાહના આ વીડિયોને પહેલા પીટીઆઈએ પણ ફેક્ટ ચેક કર્યું હતું. જેમાં તેને ફેક ગણાવ્યો હતો. જાણકારી અનુસાર દિલ્હી પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ આ વીડિયો શેર કરનારા સોશિયલ મીડિયા યૂઝર્સ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. તેલંગાણાના સીએમએ પણ આ વીડિયો શેર કર્યો હતો, જેના કારણે પોલીસે તેમને 1 મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

દિલ્હી પોલીસની એફઆઇઆરમાં અમિત શાહના આ ફેક વીડિયો ફેલાવનારા તમામ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગે આઈપીસીની કલમ 153/153એ/465/469/171જી અને આઈટી એક્ટની કલમ 66સી હેઠળ એફઆઈઆર નોંધી હતી.

દિલ્હી પોલીસે જાહેર કર્યો કડક આદેશ

તેલંગાણાના સીએમ પર આરોપ છે કે તેમણે આ વીડિયો સાથે છેડછાડ પણ કરી છે. આ સાથે જ દિલ્હી પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે ગૃહમંત્રીના વીડિયોના મામલામાં જે પણ સામેલ છે કે પછી તેમણે એડિટિંગ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરી છે. તેમની સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવા માટે પૂછપરછ કરવામાં આવશે.

આ પણ વાંચો – પાટણમાં રાહુલ ગાંધીએ કહ્યું – ભારતમાં 1% લોકો 40% સંપત્તિ પર નિયંત્રણ કરે છે

ફેક વીડિયોમાં શું હતું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફેક વીડિયોમાં ભાજપના નેતા અમિત શાહને એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે મોદી સરકાર બનતા જ એસસી, એસટી અને ઓબીસી માટે અનામત ખતમ કરી દેવામાં આવશે. જોકે હકીકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકાર બનતા જ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલ અનામતને હટાવવાની વાત કહી હતી.

મહત્વનું છે કે તાજેતરમાં જ કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે ભાજપે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા.

ફેક વીડિયો પર અમિત શાહનું નિવેદન

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશવાસીઓને અનામત અંગે ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં અલ્પસંખ્યકોને તુષ્ટિકરણ માટે અનામત આપવા અને જામિયા અને એએમયુ જેવી સંસ્થાઓમાં એસસી-એસટી અને ઓબીસીથી વંચિત રાખીને અનામત ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ દરમિયાન અમિત શાહે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોંગ્રેસ અનામતને હાથ પણ નહીં લગાવી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ