જમ્મુ કાશ્મીર પોલીસ : જમ્મુ અને કાશ્મીર પોલીસે શનિવારે ડોડા જિલ્લામાં કેપ્ટન સહિત ચાર સૈનિકોની હત્યા માટે જવાબદાર ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા. પોલીસે ત્રણેય પર 15 લાખનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. જમ્મુ ક્ષેત્રના ડોડામાં જૂન મહિનાથી અનેક આતંકવાદી ઘટનાઓ જોવા મળી છે, જેને સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી માસ્ટર્સ દ્વારા પર્વતીય જિલ્લામાં આતંકવાદને પુનર્જીવિત કરવાના પ્રયાસ તરીકે જોઈ રહી છે.
ત્રણ આતંકવાદીઓના સ્કેચ બહાર પાડતા, ડોડામાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ જિલ્લાના ઉપરના વિસ્તારોમાં, ખાસ કરીને દેસાના જંગલમાં ફરતા હતા, જ્યાં 16 જુલાઈના રોજ આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન ફાયરિંગમાં સેનાના એક કેપ્ટન અને ત્રણ સૈનિકો માર્યા ગયા હતા.
પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસે આ ત્રણેય આતંકવાદીઓ પર 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું છે. સામાન્ય જનતાને તેમના વિશે માહિતી આપવા અપીલ કરી છે. સાથે જ ખાતરી આપી છે કે, માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કંટ્રોલ રૂમ સહિત લોકો તેમનો સંપર્ક કરી શકે તે માટે પોલીસે એક ડઝનથી વધુ ફોન અને મોબાઈલ નંબર શેર કર્યા છે. દેસાના જંગલમાં ઘાતક એન્કાઉન્ટર ઉપરાંત, 12 જૂન અને 18 જુલાઈ વચ્ચે છત્તરગલા પાસ, ગંડોહ, કાસ્તીગઢ, ઉરી બગવાહ જંગલમાં અલગ-અલગ આતંકવાદી હુમલાઓમાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આજે શનિવારે સવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ હુમલામાં એક મેજર સહિત ચાર જવાન પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર આતંકી હુમલો : જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મોટો આતંકી હુમલો, એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, ચાર ઘાયલ
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ માછિલ સેક્ટર પાસે થઈ હતી. હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આતંકી હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયો છે. અત્યાર સુધી જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે.





