Trump-Zelenskyy Controversy: રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાના જૂના સાથી અમેરિકા સાથે ટકરાવ થયો છે. અમેરિકાની મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથેની રકઝક વૈશ્વિક ચર્ચાનો વિષય બની છે.
ઝેલેન્સ્કી સાથે થયેલી રકઝકને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ હંગામો એક શાનદાર ટેલિવિઝન શો બની ગયો છે. તેનું પરિણામ એ છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ માટે શાંતિની આશા વધુ દૂરની લાગે છે. આવી સ્થિતિમાં વ્હાઇટ હાઉસમાં બંને પ્રમુખો વચ્ચેની આ જાહેર ચર્ચા કેટલાક મહત્વના મુદ્દાઓની દ્રષ્ટિએ મહત્વની બની ગઇ છે.
ટ્રમ્પનું વર્તન વૈશ્વિક નિયમોથી વિપરીત છે
સૌથી પ્રથમ વિશ્વના નેતાની વર્તણૂક સાથે સંકળાયેલા કોઈ પણ વૈશ્વિક ધોરણો ટ્રમ્પ પાસેથી વાજબી રીતે અપેક્ષા રાખી શકાતી નથી. તેમની વાણી, વર્તન, ટિપ્પણીઓ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તે ધારાધોરણોથી વિરુદ્ધ છે.
ટ્રમ્પ પોતાના લોકોની વચ્ચે સન્માન મેળવવા માંગે છે
દુનિયા હવે એક એવા અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વ્યવહાર કરી રહી છે જે પહેલા પોતાના દેશના લોકોમાં સન્માન મેળવવા માંગે છે. તેમના વલણને વિશ્વના જે નેતાઓએ સમજી લીધો છે તે પોતાનો અહંકાર છોડી દીધો છે. આવું જ કંઈક જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ બીજા સાથે થયું હતું, જ્યારે ટ્રમ્પે ગાઝા માટેની તેમની યોજના વિશે વાત કરી હતી. કિંગે રાષ્ટ્રપતિનો વિરોધ કર્યો ન હતો અથવા ટીવી ક્રૂની સામે તેમને ઉશ્કેર્યા ન હતા. તેના બદલે તેમણે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા પછી એક ટ્વિટ દ્વારા આ યોજનાને નકારી કાઢતું નિવેદન બહાર પાડ્યું હતું.
એટલું જ નહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ત્યાં સુધી કે બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટારમર જેવા અન્ય નેતાઓ પણ કુશળ અને આદરણીય રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સ્મિત સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હાથ પકડ્યો હતો, પરંતુ તેમણે યુક્રેનના યુદ્ધના પ્રયત્નોમાં યુરોપના યોગદાન વિશે નમ્રતાપૂર્વક તેમને સુધાર્યા હતા.
હવે દરેકે પોતાના હિતોનું ધ્યાન રાખવું પડશે
આ સાથે જ ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુકાબલાએ બતાવી દીધું છે કે હવે દરેક દેશ પોતાના દમ પર છે. દ્વિપક્ષીય વ્યવહારો હવે ચરમ પર છે. નવું વોશિંગ્ટન ભૂતકાળના ધોરણો અને નિયમોનો આદર કરતું નથી. દરેક દેશે પોતાના હિતોનું ધ્યાન રાખવાનું હોય છે, તેઓ હવે અમેરિકા કે તેના નેતૃત્વ પર નિર્ભર રહી શકતા નથી. અમેરિકાની પ્રતિષ્ઠા અને શક્તિની વિશ્વસનીયતા હવે રહી નથી.
આ પણ વાંચો – આવું ક્યારેય જોયું કે સાંભળ્યું નથી, વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સકી-ટ્રમ્પના ઝઘડાની સંપૂર્ણ કહાની
ભારતે ટ્રમ્પને સફળતાપૂર્વક હેન્ડલ કર્યા
સાઉથ બ્લોકે રાહતનો શ્વાસ લીધો હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન આ ઉતાર-ચડાવ ભરી સ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ઉંચા ટેરિફના વિવાદાસ્પદ મુદ્દાઓ આદરપૂર્વક ઉઠાવવામાં આવ્યા હતા અને ભારતીય પક્ષ ટ્રમ્પની બુલેટને ટાળવામાં સફળ રહ્યા હતા.
બેક-ચેનલ સંવાદનું વધુ મહત્વ
બંધ બારણે કૂટનીતિના જૂના નિયમનું મહત્ત્વ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. મુત્સદ્દીગીરીનો અર્થ એ છે કે તે રૂમની અંદર વાત અને સંવાદ કરે છે, કેમેરા માટે તમાશો નહીં. આનો અર્થ એ થાય કે જાહેર નિવેદનો અને દેખાવો કરતાં બેક-ચેનલ વાટાઘાટોનું વધુ મહત્વ છે.
ભારત હવે વૈશ્વિક સ્તરે તેને ખુલીને સમર્થન નહીં આપે
હવે એવી શક્યતા પણ ઓછી છે કે ભારત કોઈ પણ દેશ માટે ટેકો જાહેર કરે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત હંમેશાં મુશ્કેલ રસ્તે ચાલ્યું છે અને અગાઉ પણ કોઈ એક પક્ષથી દૂર રહ્યું છે. ભારત માત્ર ઘોષિત સ્થિતિ તરફ જ ધ્યાન દોરશે, જે એ છે કે સંવાદ અને મુત્સદ્દીગીરી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે અને યુદ્ધના મેદાનમાં ઉકેલો શોધી શકાતા નથી.
શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટરના સિદ્ધાંતો અને પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે આદર પર આધારિત ન્યાયી અને ટકાઉ શાંતિ માટે ટેકો વ્યક્ત કર્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેનના ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર મતદાન કરવાનું ટાળ્યું હતું, જેમાં તણાવ ઓછો કરવા, દુશ્મનાવટનો વહેલી તકે અંત લાવવા અને શાંતિપૂર્ણ સમાધાનની હાકલ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ફાયદો
વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલા આ ડ્રામાનો સૌથી મોટો ફાયદો રશિયા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને થયો છે. એક યુરોપિયન રાજદ્વારીએ એએફપીને જણાવ્યું હતું કે મને લાગે છે પુતિન ખુશ થશે, તે આજે રાત્રે ક્રેમલિનમાં બોટલમાંથી સીધો વોડકા પી રહ્યા છે. આનું કારણ એ છે કે અમેરિકા અને યુક્રેન વચ્ચે ટકરાવ વધી શકે છે અને મોસ્કો માટે આ સૌથી આરામદાયક સ્થિતિ હશે.