US President Donald Trump : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે નાટો દેશોએ ચીનથી આયાત થતા માલ પર 50 થી 100 ટકા ટેરિફ લગાવવો જોઈએ. જ્યાં સુધી યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેવું જોઈએ. ટ્રમ્પે કહ્યું છે કે આ પ્રકારના પગલાથી મોસ્કો પર બેઇજિંગની પકડ નબળી પડી જશે.
ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ રશિયા પર કડક પ્રતિબંધો લાદવા તૈયાર છે, પરંતુ તે ત્યારે જ કરશે જ્યારે નાટોના સહયોગી દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરે અને પોત-પોતાના સ્તર પર આ દેશ પેનલ્ટી લગાવે.
ટ્રમ્પે નાટો દેશોને મોકલેલા પત્રમાં રશિયા અને ચીન બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ટ્રમ્પે કહ્યું કે નાટોના કેટલાક સદસ્ય દેશો સતત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે અને તેના કારણે આ ગઠબંધન ખૂબ જ નબળું પડી ગયું છે.
ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો
ટ્રમ્પે ગયા મહિને જ્યારે ભારત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. અમેરિકાએ ભારતથી આયાત કરવામાં આવતા માલ પર કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે.
આ પણ વાંચો – બ્રિટનમાં શીખ મહિલા સાથે દુષ્કર્મ અને મારપીટ, હુમલાખોરે કહ્યું – પોતાના દેશમાં પાછા જાવ
ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ તે સમયે રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત. તેમણે આ યુદ્ધને “બિડેન અને ઝેલેન્સ્કી વચ્ચેનું યુદ્ધ” ગણાવ્યું હતું. ટ્રમ્પે લખ્યું છે કે તેઓ રશિયા અને યુક્રેનમાં હજારો લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર ટેરિફ લાદવાનો નિર્ણય સરળ ન હતો અને તેનાથી નવી દિલ્હી સાથે મતભેદ થયો છે. તેમણે કહ્યું કે ભારત તેમનો સૌથી મોટો ગ્રાહક હતો. મેં ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો કારણ કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. તે કરવું સહેલું નથી. તે એક મોટી વાત છે અને તે ભારત સાથે અણબનાવ પેદા કરે છે. પરંતુ મેં તે પહેલાથી જ કરી લીધું છે. મેં ઘણું કર્યું છે. આ આપણી સમસ્યા કરતાં ઘણી વધારે યુરોપિયન સમસ્યા છે.





