US India Trade Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ સતત ભારત વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. બુધવાર સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને દંડ લગાવવાની જાહેરાત કરી હતી. હવે તેમણે ફરીથી ભારત વિશે નિવેદન આપ્યું છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને ‘ડેડ ઇકોનોમી’ ગણાવ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટમાં લખ્યું છે – મને એ વાતની પરવા નથી કે ભારત રશિયા સાથે શું કરે છે. મને પરવા નથી કે તેઓ કેવી રીતે સાથે મળીને તેમની મૃત અર્થવ્યવસ્થાને નીચે લાવી શકે છે. અમે ભારત સાથે બહુ ઓછો વેપાર કરીએ છીએ, તેમના ટેરિફ બહુ ઉંચા છે, જે દુનાયામાં સૌથી વધુ છે. આવી જ રીતે, રશિયા અને અમેરિકા લગભગ કોઈ વેપાર કરતા નથી. ”
આ જ પોસ્ટમાં, તેમણે ઉમેર્યું: “ચાલો તેને આવા જ રહેવા દો, અને રશિયાના નિષ્ફળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મેદવેદેવ, જે હજી પણ વિચારે છે કે તે રાષ્ટ્રપતિ છે, તેમને કહો કે તેઓ તેમની વાત પર ધ્યાન આપે. એ બહુ જ ખતરનાક વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે.”
અમેરિકા પાકિસ્તાન વચ્ચે ટ્રેડ ડિલ
આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે વેપાર સોદો કરવાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા વિશાળ તેલ ભંડાર વિકસીત કરવા માટે પાકિસ્તાન સાથે કામ કરશે. અલબત્ત, હાલ એ સ્પષ્ટ નથી કે ટ્રમ્પ પાકિસ્તાનમાં ક્યા વિશાળ તેલ ભંડારની વાત કરી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર એવો પણ સવાલ ઉઠાવ્યો કે શું પાકિસ્તાન ક્યારેય ભારતને ઓઇલ વેચી શકે છે.
ટ્રમ્પે બુધવારે ટુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું કે, અમે તાજેતરમાં જ પાકિસ્તાન સાથે એક સમજૂતી કરી છે, જે હેઠળ અમેરિકા પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસીત કરવા માટે સાથે મળી કામ કરશે. તેમણે ઉમેર્યું કે, અમે એવી કંપની પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે આ સોદાની આગેવાની કરશે. કોણ જાણે છે, કદાચ તે કોઇ દિવસ ભારતને ઓઇલ વેચશે.





