Donald Trump News: આ સપ્તાહના પ્રારંભે બેઇજિંગમાં યોજાયેલ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલન બેઠકના થોડા દિવસો પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે ભારત અને રશિયા ચીન સામે “હારી ગયા” હોય તેવું લાગે છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. તેઓનું ભવિષ્ય લાંબુ અને સમૃદ્ધ રહે એવી પ્રાર્થના!”
તેમણે આ પોસ્ટ સાથે તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી , રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ફોટો પણ શેર કર્યો છે.
આ અગાઉ, ટ્રમ્પે શી જિનપિંગ પર રશિયા અને ઉત્તર કોરિયાના નેતાઓ સાથે મળીને અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવી હતી જ્યારે ચીને બુધવારે બેઇજિંગમાં તેના અત્યાર સુધીના સૌથી મોટા વિજય દિવસ પરેડનું આયોજન કર્યું હતું. જેમાં વિશ્વના નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – ભારતના આ પાડોશી દેશમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X ને બ્લોક કરવાનો આદેશ
ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું: “કૃપા કરીને વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનને મારા હાર્દિક અભિનંદન આપો કારણ કે તમે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છો.”
ટ્રમ્પ ગયા મહિને અલાસ્કામાં પુતિન સાથે મળ્યા હતા, પરંતુ તેમના ઉષ્માભર્યા લાલ જાજમ સ્વાગતથી યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા તરફ કોઈ પ્રગતિ થઈ ન હતી.
ભારત પર અમેરિકાના ટેરિફનું પરિણામ
તાજેતરના અઠવાડિયામાં અમેરિકા દ્વારા ભારતીય માલ પર 50 ટકાનો ભારે ટેરિફ લાદવામાં આવતા નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. જેમાં રશિયન તેલ આયાત કરવા પર 25 ટકા દંડનો ટેરિફ પણ સામેલ છે.