Donald Trump : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80 માં સત્ર દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને 8 મુસ્લિમ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ગાઝા અને પશ્ચિમ એશિયાના દેશોની પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા થવાની સંભાવના છે. યુએનજીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષને સમાપ્ત કરવાના સંકલ્પના રુપમાં બે રાષ્ટ્ર સમાધાન પર ભાર મુકવા માટે બેઠક કરી રહ્યું છે.
ટ્રમ્પ 9 મુસ્લિમ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), કતર, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનના નેતાઓ અને અધિકારીઓ સાથે બહુપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં ગાઝા સંકટ એજન્ડામાં ટોચ પર રહેશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જનરલ ડિબેટમાં મુખ્ય સંબોધન કરશે, જેમાં તેઓ તેમના વહીવટની વિદેશ નીતિની પ્રાથમિકતાઓની રૂપરેખા આપશે. આ સિવાય તેઓ પોતાના આઠ મહિનાના કાર્યકાળ દરમિયાન સાત વૈશ્વિક યુદ્ધો અને સંઘર્ષોનો અંત લાવવાનો શ્રેય પણ લેશે.
આ પણ વાંચો – ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાને પોતાના જ 30 લોકોને મારી નાખ્યા? ફાઇટર જેટ્સથી બોમ્બ ફેંક્યા
ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું છે. જોકે ભારતે સતત આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) દ્વારા સંઘર્ષનો અંત લાવવાની વિનંતી બાદ સીધી વાતચીત પછી સીઝફાયર થયું હતું.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે શાહબાઝ શરીફ 22 થી 26 સપ્ટેમ્બર સુધી ન્યૂયોર્કમાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં તેમના દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેમાં નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનના વડા પ્રધાન આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરશે.





