/indian-express-gujarati/media/media_files/2025/12/30/vikram-sarabhai-2025-12-30-14-13-00.jpg)
ડો. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. Photograph: (Express archives)
Dr Vikram Sarabhai | ડો. વિક્રમ સારાભાઈ આ એ નામ છે જેના વગર ભારતની અંતરિક્ષ સફર અધૂરી છે. વિક્રમ સારાભાઈ કે જેઓ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખાય છે. આજે 30 ડિસેમ્બરના રોજ તેમની પુણ્યતિથિ છે. 1971માં માત્ર 52 વર્ષની વયે કેરળના કોવલમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, પરંતુ તેમના ટૂંકા જીવનકાળમાં તેમણે 38 એવી સંસ્થાઓ સ્થાપી જે આજે સ્પેસ રિસર્ચ, ફિઝિક્સ, મેનેજમેન્ટ અને આર્ટ્સમાં વિશ્વનું નેતૃત્વ કરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમને "ભારતીય વિજ્ઞાનના મહાત્મા ગાંધી" તરીકે ઓળખાવ્યા હતા.
અમદાવાદનું રતન: કંઈક નવું કરવાની ધૂન
અમદાવાદના અંબાલાલ સારાભાઈ અને સરલા દેવી જેવા અગ્રણી ટેક્સટાઈલ ઉદ્યોગપતિના ઘરે જન્મેલા વિક્રમભાઈ નાનપણથી જ કંઈક નવું કરવામાં માનતા હતા. બાળપણથી જ તેમનામાં ગજબ સર્જનાત્મકતા હતી. માત્ર 15 વર્ષની ઉંમરે તેમણે બે એન્જિનિયરોની મદદથી ટ્રેન એન્જિનનું વર્કિંગ મોડલ બનાવ્યું હતું, જે આજે પણ અમદાવાદના કમ્યુનિટી સાયન્સ સેન્ટર (CSC) માં સચવાયેલું છે.
બાળકો માટે મુક્ત વિચાર
વિક્રમ સારાભાઈનું હ્રદય કોમળ, કરુણામય અને મુક્ત વિચારશીલ હતું. તેમણે મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર કાર્તિકેય સારાભાઈના જણાવ્યા મુજબ, વિક્રમભાઈ માનતા હતા કે બાળકોને મુક્તપણે વિચારવા દેવા જોઈએ જેથી તેઓ પોતે જ સમસ્યાઓનો ઉકેલ શોધી શકે. તેમની પુત્રી અને વિખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ યાદ કરતાં જણાવે છે કે, પરિવારના દરેક નિર્ણયમાં બાળકોનો પણ મત લેવામાં આવતો હતો, જેણે તેમને નાનપણથી જ આત્મવિશ્વાસ આપ્યો હતો.
ટાગોર, રામન અને ભાભા સાથે સંબંધ
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ, તેઓ રવીન્દ્રનાથ ટાગોરના રેફરન્સ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સ ભણવા ગયા હતા. જોકે, બીજા વિશ્વયુદ્ધને કારણે તેમણે ભારત પરત ફરવું પડ્યું. બેંગલુરુમાં ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન હેઠળ તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાં જ તેમની મુલાકાત ડૉ. હોમી ભાભા સાથે થઈ. પાછળથી તેમણે કોસ્મિક રેઝ (Cosmic Rays) પર કેમ્બ્રિજમાંથી પીએચ.ડી. પૂર્ણ કર્યું.
ISRO નો પાયો અને સ્પેસ રિસર્ચની શરૂઆત
અમદાવાદમાં PRL (Physical Research Laboratory) ની સ્થાપના ભારતની અવકાશ સફરનું પહેલું ડગલું હતું. 1967 માં કેરળના થુંબાથી જ્યારે ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ થયું, ત્યારે તે વિક્રમ સારાભાઈના સપનાની ઉડાન હતી. 1969માં તેમણે પ્લાનિંગ કમિશનને સમજાવીને ભારતીય પરમાણુ કાર્યક્રમ અને ઈસરો (ISRO) ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટેલિવિઝન અને કૃષિ દર્શનનો આરંભ
1966માં હોમી ભાભાના અવસાન બાદ, સારાભાઈએ પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે NASA સાથે સંવાદ સાધ્યો, જેના પરિણામે 1975માં ગુજરાતના ખેડા જિલ્લાના પીજ (Pij) ગામથી સેટેલાઈટ દ્વારા ટીવી કાર્યક્રમો પ્રસારિત કરવાનું સાહસ શરૂ થયું. દૂરદર્શન પર જે 'કૃષિ દર્શન' કાર્યક્રમ આજે પણ ખેડૂતોમાં લોકપ્રિય છે, તેની કલ્પના વિક્રમ સારાભાઈએ જ કરી હતી.
બિઝનેસ અને મેનેજમેન્ટમાં પ્રદાન
માત્ર વિજ્ઞાન (Science) જ નહીં, પણ ઉદ્યોગ જગતમાં પણ તેમનું મોટું યોગદાન છે. 1943 માં વડોદરામાં તેમણે 'સારાભાઈ કેમિકલ્સ'ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે સારાભાઈ રિસર્ચ સેન્ટર અને ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપ જેવા બિઝનેસ યુનિટ્સ પણ ઉભા કર્યા.
વિક્રમ સારાભાઈ વિશે અજાણી અને રસપ્રદ વિગતો
ડૉ. વિક્રમ સારાભાઈ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, પણ એક દીર્ઘદ્રષ્ટા નેતા હતા. આજના ભારતના મંગળયાન કે ચંદ્રયાન મિશનની સફળતા પાછળ જે પાયો છે, તે ડૉ. સારાભાઈએ નાખ્યો હતો.
ચંદ્ર પર તેમનું નામ
ડૉ. સારાભાઈના સન્માનમાં ચંદ્ર પરના એક મોટા ખાડા (Crater) ને 'સારાભાઈ ક્રેટર' નામ આપવામાં આવ્યું છે. આ સન્માન 2019 માં તેમની 100મી જન્મજયંતિ પર આપવામાં આવ્યું હતું.
IIM અમદાવાદના સ્થાપક
આપણે સૌ ISRO વિશે જાણીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભારતની સર્વોચ્ચ બિઝનેસ સ્કૂલ IIM Ahmedabad ની સ્થાપના કરવામાં પણ વિક્રમ સારાભાઈનો સૌથી મોટો ફાળો હતો.
નૃત્ય અને કલા પ્રત્યે પ્રેમ
તેમના પત્ની મૃણાલિની સારાભાઈ નૃત્યાંગના હતા. ડૉ. સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ' ની સ્થાપના કરી હતી, જે કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.
દુનિયાની આ રહસ્યમયી શોધો જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત, આજ સુધી વણઉકેલાયેલી
સાયકલ પર રોકેટ
શરૂઆતના દિવસોમાં જ્યારે સંસાધનો ઓછા હતા, ત્યારે ભારતનું પ્રથમ રોકેટ અને તેના ભાગોને સાયકલ અને બળદગાડા પર લાધવામાં આવ્યા હતા. ડૉ. સારાભાઈની એ સાદગી અને દ્રઢ ઈચ્છાશક્તિનું જ પરિણામ છે કે આજે ભારત દુનિયામાં સ્પેસ પાવર છે.
સંગીતકાર સાથેનો સંબંધ
વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ઉપરાંત અન્ય વિષયો જાણવામાં પણ માહેર હતા. તેઓ રમતગમત અને સંગીતમાં પણ શોખ ધરાવતા હતા. મહાન સિતાર વાદક પંડિત રવિશંકર ડૉ. સારાભાઈના ગાઢ મિત્ર હતા.
ભારતે રચ્યો કીર્તિમાન, DRDO એ સ્વદેશી પાયલોટ રેસ્ક્યુ 'એસ્કેપ સિસ્ટમ'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
દૂરદ્રષ્ટા વૈજ્ઞાનિક
1960ના દાયકામાં જ્યારે દુનિયા ચંદ્ર પર પહોંચવાની રેસમાં હતી, ત્યારે સારાભાઈએ કહ્યું હતું કે "આપણે અન્ય દેશો સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી, પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલવા માટે કરવો જોઈએ." આ જ કારણે તેમણે ભારતમાં ટેલિવિઝન અને એજ્યુકેશન પર ધ્યાન આપ્યું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us