Election Commission: ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. ચૂંટણી પંચે પોતાના પત્રના માધ્યામથી બંને પક્ષોના સ્ટાર પ્રચારકોને સૂચના આપી છે. બંને પક્ષોએ ચૂંટણી પંચને પત્ર લખીને એકબીજા સામે ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી પ્રતિક્રિયા માંગી છે.
ભાજપે રાહુલ ગાંધી સામે કરી ફરિયાદ
ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને 18 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં તેમના જવાબ મોકલવા માટે કહ્યું છે. ભાજપે રાહુલ ગાંધીની ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીએ એક રેલીમાં દાવો કર્યો હતો કે ભાજપ બંધારણને નષ્ટ કરવા માંગે છે. 6 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ રેલીનો ઉલ્લેખ ભાજપે પોતાના પત્રમાં કર્યો છે.
રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર બંધારણને નષ્ટ કરવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે પોતાની ફરિયાદમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રમાં યુવાનોને ભડકાવી રહ્યા છે અને આ દેશની એકતા અને અખંડિતતા માટે ઘણું ખતરનાક છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીનો પીએમ પર પ્રહાર, કહ્યું – જો બાઇડેનની જેમ જતી રહે છે પીએમ મોદીની યાદશક્તિ
કોંગ્રેસે અમિત શાહની ફરિયાદ કરી
કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે 12 નવેમ્બરે ઝારખંડના ધનબાદમાં અમિત શાહની રેલીનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે અમિત શાહ તેમના અને તેમના સહયોગીઓ વિશે અનેક ખોટા અને નિંદાત્મક નિવેદનો આપ્યા. કોંગ્રેસની ફરિયાદ મુજબ અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને તેના સહયોગી એસસી, એસટી અને ઓબીસીની વિરુદ્ધ છે.
તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે અમિત શાહે ખોટું નિવેદન આપ્યું છે અને તેમનો હેતુ ધર્મ અને જાતિના આધારે મતદારોને ઉશ્કેરવાનો છે.
કોંગ્રેસે પોતાની ફરિયાદમાં કહ્યું કે અમિત શાહે કોંગ્રેસ પર એસસી, એસટી અને ઓબીસી સમુદાય પાસેથી અનામત છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો અને તેને એક ખાસ ધાર્મિક લઘુમતી સમુદાયને આપવાનો ખોટો આરોપ લગાવ્યો હતો.