NASA Electric Air Taxi Testing In US : એર ટેક્સી શબ્દ સાંભળતા જ આપણી આંખો સામે હવામાં ઉડતી ટેક્સીનો ફોટો ઉપસી આવે છે! હવે ‘એર ટેક્સી’ હકીકત બનવા જઇ રહી છે અને પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી યુએસ એરફોર્સને આપવામાં આવી છે. કેલિફોર્નિયાની જોબી એરોસ્પેસે તાજેતરમાં માહિતી આપી હતી કે કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સને ઇલેક્ટ્રિક એર ટેક્સીની ડિલીવરી કરી છે.
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ એરફોર્સના AFWERX પ્રોગ્રામ હેઠળ એક કરાર કર્યો છે. આ કરાર હેઠળ, નાસા પરીક્ષણ કરશે કે અમેરિકાની એર સ્પેસમાં કેટલા વાહનો ફિટ થઈ શકે છે.
નાસા ઇલેક્ટ્રિક એર ટેક્સીનું પરીક્ષણ કરશે
નાસાના એડવાન્સ્ડ એર મોબિલિટી (AAM) મિશનના ઇન્ટિગ્રેશન મેનેજર, પરિમલ કોપારડેકરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, “AFWERX, યુએસ એર ફોર્સ રિસર્ચ લેબોરેટરી (એએફઆરએલ) નું ટેક્નોલોજી ડિરેક્ટોરેટ છે.” ઉપરાંત તે યુએસ એરફોર્સની ઈનોવેશન વિંગ પણ છે. એડવાન્સ્ડ એર મોબિલિટી પર NASA અને AFWERX વચ્ચે મહત્વપૂર્ણ, સક્રિય સહયોગ છે. આ ભાગીદારી હેઠળ, શ્રેષ્ઠ પ્રતિભાને આ ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ માટે લેટેસ્ટ રિસોર્સની સાથે મળીને કામ કરવામાં આવે છે.
2024ની શરૂઆત સાથે જ અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પાઇલોટ અને સંશોધકો જોબી એરક્રાફ્ટના પરીક્ષણ પર કામ કરશે. ઉપરાંત નાસા એર ટ્રાફિક મેનેજમેન્ટ, ફ્લાઈટ પ્રોસિજર અને ગ્રાઉન્ડ બેઝ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરશે. NASA, વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી પૈકીની એક છે, એરપ્લેનનું પરીક્ષણ કરવા માટે તેના પાઇલોટ અને એડવાન્સ્ડ હાર્ડવેર ટેકનોલોજી જેવી પોતાની મોબાઇલ ઓપરેટિંગ સુવિધાનો ઉપયોગ કરશે. આ સમગ્ર ટેસ્ટનો એક હેતુ એ જોવાનો છે કે કેવી રીતે વિવિધ હવાઈ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ભવિષ્યમાં એકસાથે કામ કરી શકશે.
આ પણ વાંચો | આગામી ડિજીટલ બિલ ઓનલાઈન સેન્સરશીપનો વિસ્તાર વધારે તેવી સંભાવના
કટોકટીની પરિસ્થિતિઓમાં ઇલેક્ટ્રિક એર ટેક્સીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમા જંગલની આગ અને મેડિકલ સપ્લાય પહોંચાડવા જેવી કટોકટીની પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. નાસાને આશા છે કે આ ટેક્નોલોજીઓ પર વધુ કામ થઈ શકે છે જેથી કરીને સમગ્ર એર ટેક્સી અને ડ્રોન ઉદ્યોગને આગળ લઈ જઈ શકાય.





