Elon Musk India Gujarat Visit : ટેસ્લાના વડા એલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા (Elon Musk PM Modi Meeting) માટે આ મહિને ભારતની મુલાકાત લેવા આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ટેસ્લા ઈન્ડિયા ને લઈ મોટી ભેટ મળી શકે છે. એલન મસ્ક ભારતમાં તેમની રોકાણ યોજનાઓ સંબંધિત જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
એલોન મસ્ક ભારત મુલાકાત કરશે
એલોન મસ્કે તેમની ભારત મુલાકાતની પુષ્ટિ કરતા, અબજોપતિ એક્ઝિક્યુટિવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, તેઓ પીએમ મોદીને મળવા માટે ઉત્સુક છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, મસ્ક તેમની મુલાકાત દરમિયાન દેશમાં રોકાણ કરવા અને નવી ફેક્ટરી ખોલવાની તેમની યોજનાઓ સંબંધિત જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
અહેવાલમાં બે સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અબજોપતિ 22 એપ્રિલના સપ્તાહમાં નવી દિલ્હીમાં મોદીને મળશે અને તેમની ભારતની યોજનાઓ વિશે અલગથી જાહેરાત કરશે. ટેસ્લાના સીઈઓ પણ તેમની મુલાકાત દરમિયાન અન્ય અધિકારીઓ સાથે હશે.
આ પહેલા મસ્કએ આ અઠવાડિયે X પર કહ્યું હતું કે, “ભારતમાં પણ ટેસ્લા ઇલેક્ટ્રિક કાર હોવી જોઈએ જેમ કે, દરેક દેશમાં ઇલેક્ટ્રિક કાર છે. “ભારતમાં ટેસ્લા ઈલેક્ટ્રિક વાહનો ઉપલબ્ધ કરાવવું એ એક સ્વાભાવિક પ્રગતિ છે.”
યુએસ અને ચાઈનીઝ માર્કેટમાં ઈવીની ધીમી માંગ અને ચાઈનીઝ ઓટોમેકર્સની વધતી જતી હરીફાઈ વચ્ચે ટેસ્લાએ ભારત તરફ નજર કરી રહ્યું છે. ટેસ્લાએ પ્રથમ-ક્વાર્ટરની ડિલિવરીમાં ઘટાડો નોંધાવ્યો હતો જે વિશ્લેષકોના અંદાજને ચૂકી ગયો હતો.
ભારતનું EV બજાર નાનું છે પરંતુ વિકસતું છે અને સ્થાનિક કાર નિર્માતા ટાટા મોટર્સનું તેના પર પ્રભુત્વ છે. 2023 માં કુલ કારના વેચાણમાં EVs નો હિસ્સો માત્ર 2% હતો. પરંતુ સરકારે 2030 સુધીમાં તેનુ 30 ટકાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ત્યારે ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે કે, ટેસ્લા ભારતમાં પ્રવેશ કરવા જઈ રહી છે, ટેસ્લા કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે.
ટેસ્લા ભારતમાં ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે (Elon Musk EV Plant in Gujarat India)
ચર્ચા છે કે, આગામી કેટલાક વર્ષોમાં કંપની ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે અને ભારતના રસ્તાઓ પર ટેસ્લા ઇલેક્ટ્રિક વાહનો દોડાવી શકે છે. થોડા દિવસ પહેલા ટેસ્લાએ ભારતમાં 2 અબજ અમેરિકન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
આ પહેલા એવી આશા હતી કે, ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2024 માં એલોન મસ્ક હાજર રહેશે, અનેજરાતમાં ટેસ્લા ઈન્ડિયાના રોકામની જાહેરાત કરશે, પરંતુ એલોન મસ્ક ગુજરાત સમિટમાં હાજર રહી શક્યાન હતા. પરંતુ હવે એલોન મસ્ક ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ફરી ટેસ્લા ઈન્ડિયા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની આશા જીવંત બની છે.
ભારત વિશ્વના સૌથી મોટા ઓટો બજારોમાંનું એક છે. ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી છે અને ભારત સરકાર પણ તેને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. ટેસ્લા અહીં સીબીયુ માર્ગ દ્વારા પોતાનો પ્લાન્ટ સ્થાપશે. ઇમ્પોર્ટ ટેક્સમાં પણ ઘટાડો થઇ શકે છે. એવું માનવામાં આવે છે કે ટેસ્લા ભારતમાં સસ્તી અને સસ્તી કિંમતે વાહનો લોન્ચ કરી શકે છે.
ગુજરાતમાં ટેસ્લા ક્યાં પ્લાન્ટ સ્થાપી શકે છે
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે ટેસ્લા પ્લાન્ટ માટે સાણંદ, ધોલેરા અને બેચરાજી સહિત અનેક સ્થળોને સંભવિત સ્થળો તરીકે સૂચવ્યા છે. આ પગલું ટેસ્લાના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારની માગને પહોંચી વળવાના લક્ષ્યાંકને અનુરૂપ છે, જેમાં તેના ભારતીય મેન્યુફેક્ચરિંગ બેઝમાંથી નિકાસનો પણ સમાવેશ થાય છે. સરકારનું સત્તાવાર વલણ એ છે કે ઇવીની આયાત પર કોઈ સબસિડી આપવામાં આવશે નહીં. પરંતુ તાજેતરના અહેવાલો દર્શાવે છે કે ટેસ્લાને 15-20 ટકાની કન્સેશનલ ઇમ્પોર્ટ ડ્યુટી આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો – શું એલોન મસ્કની ટેસ્લા ગુજરાતમાં આવી રહી? મંત્રીએ કહ્યું – ‘આશા છે, ટૂંક સમયમાં કરાશે જાહેરાત’
ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ શક્ય નહી, ભારતમાં ઉત્પાદન કરે તો ટેસ્લાનું સ્વાગત
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2023 દરમિયાન, IIM નાગપુરના કાર્યક્રમમાં, ગડકરીએ મોદી સરકાર અને એલોન મસ્કની આગેવાની હેઠળની વિશ્વની સૌથી મોટી EV નિર્માતા ટેસ્લા વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું હતુ કે, કંપની કદાચ ભારતમાં ફેક્ટરી ખોલશે. તેમણે કહ્યું કે, અમે ટેસ્લાનું સ્વાગત કરીએ છીએ. પરંતુ ચીનમાં ઉત્પાદન અને ભારતમાં વેચાણ, આ શક્ય નથી. અમે તેમના માટે અહીં ઉત્પાદન કરવા માટે ખુલ્લા છીએ.





