માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર ફરી એકવાર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસને ફરીથી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસ 29 નવેમ્બરના રોજ ફરી શરૂ કરવામાં આવશે. આ સર્વિસ હેઠળ, ટ્વિટરનો કોઈપણ યુઝર્સ કંપની દ્વારા નક્કી કરવામાં આવેલો ચાર્જ ચૂકવીને બ્લુ ટિક મેળવી શકે છે. નોંધનિય છે કે, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ટ્વિટરને ખરીદ્યા બાદ તેની સર્વિસ સંબંધિત નિયમોમાં વ્યાપક ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
મસ્કે બ્લુ ટિક સર્વિસ બંધ કરી
અગાઉ, સબ્સ્ક્રિપ્શન સર્વિસ હેઠળ ઘણા ફેક એકાઉન્ટ, બોગસ એકાઉન્ટર યુઝર્સ દ્વારા 8 ડોલર ચૂકવીને બ્લુ ટિક મેળવીને ટ્વિટ કરતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે કંપનીની પ્રતિષ્ઠા ખરડાઇ છે, આથી એલન મસ્કે આ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટને ટેકઓવર કર્યા બાદ તેની બ્લુ ટિક સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો હતો. નોંધનિય છેક, એલોન મસ્ક દ્વારા ટ્વિટરને ટેકઓવર કર્યું તેની પહેલા બ્લુ ટિક માત્ર રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો સહિતની જાણીતી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતુ.
એલન મસ્કે ટ્વીટ કરીને બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસ ફરીથી શરૂ થઇ રહી હોવાની જાણકારી આપી હતી. મસ્કે જણાવ્યું કે આ રિલોન્ચ સર્વિસમાં જો કોઈ વ્યક્તિ વેરિફાઈડ નામ બદલશે તો તેની પ્રોફાઈલ પરની બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.
CEO સહિત 50 ટકા કર્મચારીઓની છટણી
ટેસ્લાના માલિક એલોન મસ્કે 44 બિલિયન યુએસ ડોલરમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ટેકઓવર કર્યુ છે. ટ્વિટરને ટેકઓવર કરવાની સાથે જ એલન મસ્કએ અત્યાર સુધીમાં કંપનીના સીઇઓ પરાગ અગ્રવાલ સહિત 50 ટકાથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ સાથે કંપનીની નાદારી થવાની સંભાવના પણ વધી ગઈ છે.
‘બ્લુ ટિક’ એ આઇડેન્ટિ વેરિફિકેશનનું ચિહ્ન
અગાઉ, ટ્વિટર પાસે બ્લુ ટિક એ આઇડેન્ટિ વેરિફિકેશનનું ચિહ્ન હતું, જે યુઝર્સનું વેરિફિકેશન અને વિશ્વસનીયતા દર્શાવે છે. પરંતુ ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલન મસ્કએ તમામ યુઝર્સ માટે બ્લુ ટિક સર્વિસ શરૂ કરવાની ઓફર કરી છે જો કે તેની માટે યુઝર્સે 8 ડોલર ચૂકવવા પડશે, ભારતીય ચલણમાં આ રકમ 651 રૂપિયા જેટલી થાય છે. હવે તમામ વ્યક્તિઓને 8 ડોલરની ચૂકવણીના બદલામાં બ્લુ ટિક આપવાની ઓફર કર્યા બાદ ફેક એકાઉન્ટ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ ફેક વેરિફાઈડ એકાઉન્ટ્સ પરથી સતત ટ્વિટ પણ કરવામાં આવી રહ્યા છે.
ગ્રે ટિક સત્તાવાર એકાઉન્ટનું ચિહ્ન ગણાશે
તાજેતરમાં જ કંપનીએ બ્લુ ટિક ઉપરાંત ગ્રે- ટિક લોન્ચ કરવાની વાત કહી હતી. થોડાંક દિવસ અગાઉ કંપનીના પ્રોડક્ટ મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર એસ્થર ક્રોફોર્ડે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ સ્ક્રીનશોટમાં ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પર ગ્રે ટિક સાથે યુઝરના એકાઉન્ટની નીચે ઓફિશિયલ એકાઉન્ટ લખેલું હતું. જો કે, ટ્વિટરનો નિયમિત બ્લુ ચેકમાર્ક પણ તેમાં દેખાયો.
આ પણ વાંચોઃ- twitter ડીલ પછી એલોન મસ્કની સંપત્તિમાં 70 અરબ ડોલરનો ઘટાડો
‘ગ્રે-ટિક’ને ખરીદી શકશે નહીં
ક્રોફોર્ડે તેમની પોસ્ટમાં લખ્યું છે કે આ ગ્રે-ટિક ટ્વિટરના અગાઉ વેરિફાઈડ એકાઉન્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે યુઝર્સ આ ગ્રે ટિક ખરીદી શકશે નહીં. આ ગ્રે ટિક સરકારી વિભાગો, ટ્રેડિંગ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર્સ, મોટા મીડિયા આઉટલેટ્સ, પ્રકાશકો અને કેટલીક જાહેર વ્યક્તિઓને આપવામાં આવશે. તેમણે કહ્યું કે કંપની દ્વારા અગાઉ આપવામાં આવેવું બ્લુ ટિક એ વેરિફાઈડ એકાઉન્ટનું ચિહ્ન નહીં હોય. કંપની તરફથી બ્લુ ટિક સહિતની કેટલીક સર્વિસ તેના કેટલાક પ્રીમિયમ યુઝર્સને કેટલાંક ચાર્જની ચૂકવણીના બદલામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.