એપસ્ટીન ફાઇલ્સ રિલીઝ થવાથી શું-શું થયા મોટા ઘટસ્ફોટ? આ લોકોની તસવીરો આવી સામે

Epstein files released : અમેરિકાના ન્યાય મંત્રાલયે યૌન અપરાધી જેફરી એપસ્ટીનને લગતી હજારો ફાઇલો રિલીઝ કરી. આ ફાઇલોમાં દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ સામેલ છે. આ ફાઇલોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનો એક ધુંધળી તસવીર પણ સામેલ છે જેમાં તેઓ 'હોટ ટબ'માં જોવા મળે છે

Written by Ashish Goyal
Updated : December 20, 2025 19:11 IST
એપસ્ટીન ફાઇલ્સ રિલીઝ થવાથી શું-શું થયા મોટા ઘટસ્ફોટ? આ લોકોની તસવીરો આવી સામે
Epstein files released : અમેરિકાના ન્યાય મંત્રાલયે યૌન અપરાધી જેફરી એપસ્ટીનને લગતી હજારો ફાઇલો રિલીઝ કરી (તસવીર - U.S. Department of Justice)

Epstein files released : અમેરિકાના ન્યાય મંત્રાલયે યૌન અપરાધી જેફરી એપસ્ટીનને લગતી હજારો ફાઇલો શુક્રવારે રિલીઝ કરી હતી. આ ફાઇલોમાં દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ સામેલ છે. આ ફાઇલોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનો એક ધુંધળી તસવીર પણ સામેલ છે જેમાં તેઓ ‘હોટ ટબ’માં જોવા મળે છે.

આ દસ્તાવેજોમાં મુખ્ય રુપથી તસવીર છે, પરંતુ તેમાં “કોલ લોગ” (ફોન કોલ સંબંધિત જાણકારી), ગ્રાન્ડ જ્યુરીની સાક્ષી અને અન્ય દસ્તાવેજો પણ સામેલ છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર પર આ ફાઇલોને રિલીઝ કરવા માટે રાજકીય દબાણ હતું. એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે વ્હાઇટ હાઉસ અને ટ્રમ્પ વહીવટીતંત્ર મહિનાઓથી આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એપસ્ટીન અને ઘિસલેન મેક્સવેલ

આ ફાઇલો એપસ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત એપસ્ટીન અને તેના લાંબા સમયના સાથી ઘિસલેન મેક્સવેલને લગતા રેકોર્ડ્સ જાહેર કરવા જરૂરી હતા.

એપસ્ટીનનું 2019 માં જેલમાં મોત થયું હતું. તે સમય દરમિયાન તે યૌન તસ્કરીના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જ્યારે મેક્સવેલને 2021 માં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તે 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.

એપસ્ટીન ફાઇલ્સમાં ઘણા પ્રખ્યાત લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ફાઇલોમાં નામોનો અર્થ એ નથી કે તેઓ એપસ્ટીન દ્વારા કરવામાં આવેલા ગુનાઓમાં સામેલ હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ઘણા ફોટોગ્રાફમાં જોવા મળે છે. જેમાં તે સ્વિમિંગ પૂલ અને હોટ ટબમાં જોવા મળે છે. જોકે ક્લિન્ટને કોઈ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો છે. 2019માં એક પ્રવક્તાએ કહ્યું હતું કે ક્લિન્ટન એપસ્ટીન દ્વારા કરવામાં આવેલા જઘન્ય ગુનાઓ વિશે કંઇ જાણતા નથી.

માઈકલ જેક્સન

રિલીઝ થયેલા ફોટામાં જાણીતા ગાયક માઇકલ જેક્સન એપસ્ટીન સાથે જોવા મળી રહ્યા છે. અન્ય એક તસવીરમાં માઈકલ જેક્સન બિલ ક્લિન્ટન અને ડાયના રોસ સાથે પણ છે. જોકે માઇકલ જેક્સન પર એપસ્ટીન સાથે જોડાયેલ કોઈ ખોટું કામ કરવાનો આરોપ મુકવામાં આવ્યો નથી.

મિક જેગર

બેન્ડ રોલિંગ સ્ટોન્સના સંગીતકાર અને મુખ્ય ગાયક મિક જેગર બિલ ક્લિન્ટન સાથે દેખાઈ રહ્યા છે.

એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર

એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર પહેલા પ્રિન્સ એન્ડ્રુના નામથી ઓળખાતા હતા. એક ફોટોમાં પ્રિન્સ એન્ડ્ર્યુ મેક્સવેલ અને અન્ય ઘણા લોકો સાથે જોવા મળે છે, જેમના ચહેરા ઝાંખા કરી દેવામાં આવ્યા છે. પ્રિન્સ એન્ડ્ર્યુએ એપસ્ટીનને લગતા તમામ ખોટા કામોમાં સંડોવણીનો વારંવાર ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો –  બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા, મૃતદેહને ઝાડથી બાંધીને આગ લગાડી દીધી

કેવિન સ્પેસી

અભિનેતા કેવિન સ્પેસી બિલ ક્લિન્ટન અને ઘિસલેન મેક્સવેલ સાથેની ઘણી તસવીરોમાં જોવા મળી રહ્યા છે. સ્પેસીએ અગાઉ એપસ્ટીનને લગતી તમામ ફાઇલોને રિલીઝ કરવાની હાકલ કરી હતી.

ક્રિસ ટકર

કોમેડિયન ક્રિસ ટકર એપસ્ટીન ફાઇલ્સ હેઠળ રિલીઝ થયેલી ઘિસલેન મેક્સવેલ સાથેની તસવીરોમાં જોવા મળે છે. આ સિવાય સારા ફર્ગ્યુસન, રિચાર્ડ બ્રેન્સન, ફિલ કોલિન્સ, વોલ્ટર ક્રોનકાઇટની તસવીરો પણ સામે આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખુલાસા પછી પણ એપસ્ટીન વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અથવા પ્રભાવશાળી લોકો સાથેના તેના સંબંધો વિશે કોઈ મોટી અને નવી માહિતી જાહેર થઈ નથી. આગામી અઠવાડિયામાં વધુ સામગ્રી પ્રકાશિત થવાની અપેક્ષા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ