પેરિસ 2024 ને ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક કહી શકાય નહીં. તેમ છતાં, તે ઓછું ઐતિહાસિક ન હતું. દેશની સૌથી મોટી રમત સ્પર્ધામાં પોતાના એથ્લેટ મોકલવાના 100 વર્ષોમાં પ્રથમ વખત, ભારતને એક જ ઓલિમ્પિકમાં બહુવિધ મેડલ જીતવાની તક મળી. એથ્લેટ મનુ ભાકર શનિવારે, 7 સપ્ટેમ્બર 2024 ના રોજ નવી દિલ્હીમાં યોજાનાર એક્સપ્રેસ અડ્ડા ખાતે અતિથિ વિશેષ તરીકે રહેશે.
22 વર્ષીય મનુ ભાકર સાથે વર્લ્ડ ચેમ્પિયન, ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ વિજેતા અને એશિયન ગેમ્સની મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેન પણ જોડાશે. બંને અનુભવી રમતવીરો ધ ઈન્ડિયન એક્સપ્રેસના ડેપ્યુટી એસોસિયેટ એડિટર મિહિર વસાવડા સાથે વાત કરશે.
શૂટર મનુ ભાકર અને બોક્સર લોવલિના બોર્ગોહેન એ એથ્લેટ છે, જેઓ ભારતીય રમતગમતમાં પરિવર્તનના કેન્દ્રમાં રહ્યા છે અને તેઓ માત્ર તેમની રમતમાં જ નહીં, પરંતુ સમગ્ર ઇકો-સિસ્ટમમાં ઉભરતી મહિલા શક્તિના બે ચહેરા બની ગયા છે.
લોવલીનાએ રિયોની નિરાશાને પાછળ છોડી દીધી અને ટોક્યોમાં મેડલ જીત્યો
રિયો ઓલિમ્પિક ગેમ્સમાં ખરાબ પ્રદર્શનની નિરાશાને દૂર કરીને, લોવલીનાએ ત્રણ વર્ષ પહેલાં ટોક્યોમાં ઓલિમ્પિક પોડિયમમાં ભારતનું પુનરાગમન સુનિશ્ચિત કર્યું. મોહમ્મદ અલીથી પ્રેરિત થઈને બોક્સિંગ શરૂ કરનાર લવલિના, બોક્સિંગમાં મેડલ જીતનારી સુપ્રસિદ્ધ એમસી મેરી કોમ પછી માત્ર બીજી ભારતીય મહિલા બની હતી.
આંતરરાષ્ટ્રીય ફેડરેશનના નિયમોને કારણે તેણીની વજન શ્રેણી બદલવાની ફરજ પડી હોવા છતાં, લોવલિના પછીના વર્ષોમાં વધુ મજબૂત બની. તે ગયા વર્ષે ઘરની ધરતી પર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ પછી તેણે ચીનમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે પેરિસ ઓલિમ્પિકમાં તેના ટોક્યો પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની નજીક આવી, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ.
ટોક્યોમાં મનુ નિરાશ થઈ
જો લોવલિના ટોક્યોમાં મેડલ જીતી શકી અને પેરિસમાં જીતી શકી નહીં, તો મનુ માટે તે બરાબર વિપરીત હતું. તેના માટે, ટોક્યો ઓલિમ્પિક આંસુ સાથે સમાપ્ત થયું. તે સમયે મનુએ ત્રણ ઈવેન્ટ 10 મીટર એર પિસ્તોલ, 25 મીટર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ભાગ લીધો હતો. જોકે, ભારતીય શૂટર્સ કોઈ પણ ઈવેન્ટમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યા ન હતા.
જસપાલ રાણાને પોતાના શિષ્યમાં પહેલેથી જ વિશ્વાસ હતો
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેતા પહેલા તેના કોચ જસપાલ રાણાએ જણાવ્યું હતું કે, તેની તૈયારી સારી રહી છે અને તે શૂટર તરીકે પરિપક્વ છે. પેરિસથી લગભગ 300 કિલોમીટર દૂર ચેટોરોક્સની શૂટિંગ રેન્જમાં પણ આ જોવા મળ્યું હતું. મનુ માત્ર તેની તમામ ઈવેન્ટ્સમાં ફાઇનલમાં પહોંચી જ નહીં, પરંતુ તેણે બતાવ્યું કે, એક જ ઓલિમ્પિકમાં એક નહીં, પરંતુ બે મેડલ જીતવા શક્ય છે.
ભારતીય રમતવીરોએ પેરિસ 2024 ગેમ્સ પાછળ છોડીને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક પર ધ્યાન કેન્દ્રિત કર્યું, મનુ ભાકર અને લોવલિના બોર્ગોહેન પોડિયમ પર પાછા ફરવા માટે ફેવરિટ છે.
એક્સપ્રેસ અડ્ડા: એક્સપ્રેસ અડ્ડા એ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા આયોજિત અનૌપચારિક વાતચીતની શ્રેણી છે. તેમાં પરિવર્તનના કેન્દ્રમાં રહેતા લોકો સામેલ છે. એક્સપ્રેસ અડ્ડા ખાતેના અગાઉના મહેમાનોમાં વિદેશ મંત્રી એસ જયશંકર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરન, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરા, દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ અને ચેસ લિજેન્ડ વિશ્વનાથન આનંદ સામેલ હતા.