Express Exclusive CJI Surya Kant Interview : ભારતના નવા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે 24 નવેમ્બરના રોજ આ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 15 મહિનાનો રહેશે, જેમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે. આ દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસે તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી હતી. આ જ ઇન્ટરવ્યૂનો એક અંશ અહીં પ્રસ્તૃત છે.
સવાલ : તમે લગભગ 14 વર્ષ સુધી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સેવા આપી હતી. તે દરમિયાન તમારી પાસે ઘણી વખત ડ્રગ્સનો વિષય આવ્યો હતો. આ કેટલો મોટો પડકાર હતો?
જવાબ : આ મુદ્દો 2015ની આસપાસ મારા ધ્યાનમાં આવ્યો હતો. તે સમયે, હું હાઈકોર્ટમાં વરિષ્ઠ ન્યાયાધીશ હતો, જ્યાં સુધી હું હિમાચલ પ્રદેશનો મુખ્ય ન્યાયાધીશ બન્યો ત્યાં સુધી, મેં આગ્રહ રાખ્યો હતો કે આ મુદ્દાની સુનાવણી મહિનામાં ઓછામાં ઓછી એક વાર થવી જોઈએ, જેથી સતત દેખરેખ રાખવામાં આવે અને પરિસ્થિતિ સુધારી શકાય.
સાચું કહું તો, આ કેસ પણ અમારી ધીરજની કસોટી હતો. આ એવો કેસ નહોતો કે જેને એક આદેશ અથવા થોડી સૂચનાઓથી ઉકેલી શકાય. સતત દેખરેખ રાખવી જરૂરી હતી. તમામ હિતધારકોને જાણ કરવી પડી હતી. તે સમયે પંજાબમાં ડ્રગ્સની સ્થિતિ સ્ફોટક હતી. મેં સૌ પ્રથમ દરેક સ્તરે પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો – પછી તે અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત હોય, વહીવટી પ્રતિસાદ હોય કે સરકારી તંત્રની ભૂમિકા.
એક મોટો પડકાર એ હતો કે જમીન પર યોગ્ય રીતે કામ કરી રહેલા પ્રામાણિક અધિકારીઓની બદલી રોકવામાં આવી. જ્યારે તમામ જરૂરી એજન્સીઓએ તેમના અહેવાલો સબમિટ કર્યા અને અમારી પાસે સ્પષ્ટ ચિત્ર હતું ત્યારે જ અમે યોગ્ય દિશામાં આગળ વધી શક્યા હતા. માઇક્રો અને મેક્રો બંને સ્તરે સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી હતું.
આ કિસ્સામાં, ઘણા પાસાઓ પર કામ કરવામાં આવ્યું હતું. એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને ડ્રગ્સના વેપારથી નફો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ સમયે, સરહદી વિસ્તારોમાં સુરક્ષા કેવી રીતે વધારવી, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, આ તમામ બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ મહત્વનું હતું કે પીડિતોની અવગણના કરવામાં ન આવે. આ દિશામાં વ્યસનમુક્તિ કેન્દ્રો, પુનર્વસન સુવિધાઓ અને કોલેજોમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. નિષ્ણાત સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી.
સવાલ : સમયાંતરે એવો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ‘માસ્ટર ઓફ રોસ્ટર’ છે. તમને શું લાગે છે કે CJIને રોસ્ટરના માસ્ટર બનવાની જરૂર છે?
જવાબ : તે સાચું છે કે સીજેઆઈને માસ્ટર ઓફ ધ રોસ્ટર કહેવામાં આવે છે, પરંતુ મને લાગે છે કે આ ભૂમિકાને ઘણીવાર યોગ્ય રીતે સમજવામાં આવતી નથી. સીજેઆઈ સુપ્રીમ કોર્ટના વહીવટી વડા છે અને સિનિયોરિટી સાથે ઘણી જવાબદારીઓ આવે છે. રોસ્ટરની સમીક્ષા કરવી એ તેમાંથી એક છે. પરંતુ આનો અર્થ એ નથી કે કેસો મનસ્વી રીતે સોંપવામાં આવે છે. આવા નિર્ણયો વ્યાપક વિચાર-વિમર્શ, અન્ય ન્યાયાધીશો સાથે ચર્ચા કર્યા પછી અને ઘણા પરિબળોને ધ્યાનમાં લીધા પછી લેવામાં આવે છે.
સવાલ : એક વરિષ્ઠ સાથીદારે કહ્યું હતું કે ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ માત્ર એક્ઝિક્યુટિવથી આઝાદી નહીં, પરંતુ દબાણ જૂથોથી પણ સ્વતંત્રતા છે. શું તમે તેની સાથે સહમત છો?
જવાબ : ચોક્કસ. હું તેની સાથે સંપૂર્ણપણે સંમત છું. ન્યાય વિતરણ પ્રણાલી માટે ન્યાયિક સ્વતંત્રતા સૌથી મહત્વપૂર્ણ છે. તે ‘સત્તાના વિભાજનના સિદ્ધાંત’ સાથે મળીને કામ કરે છે. આપણા બંધારણમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે બંધારણ અને નાગરિકોના અધિકારો પ્રત્યે જવાબદાર રહેવું જોઈએ.
સવાલ : શું તમે એવું કંઈક કરવા માંગો છો જે અગાઉના મુખ્ય ન્યાયાધીશ કરી શક્યા ન હતા?
જવાબ : તે કહેવું યોગ્ય નહીં હોય કે મારે કંઈક સંપૂર્ણપણે અલગ કરવું પડશે જે મારા પુરોગામીઓએ કર્યું ન હતું. સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં 52 મુખ્ય ન્યાયાધીશોને જોયા છે. તે સ્વાભાવિક છે કે દરેકની પ્રાથમિકતાઓ અને કાર્યશૈલી અલગ અલગ રહી છે. પરંતુ એક વસ્તુ હંમેશાં એક જ રહી છે – સંસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ન્યાય માટેનો સંઘર્ષ. વ્યક્તિગત રીતે, હું પેન્ડિંગ કેસોના મુદ્દા પર વિશેષ ધ્યાન આપવા માંગુ છું. મારું લક્ષ્ય એક એવી વ્યવસ્થા બનાવવાનું છે કે જ્યાં દેશના દરેક નાગરિકને સમયસર ન્યાય મળે, યોગ્ય પ્રતિનિધિત્વ મળે. આ મારા માટે સૌથી મૂળભૂત મુદ્દો છે.
સવાલ : ઘણી વખત એવું જોવા મળે છે કે સુનાવણી દરમિયાન ન્યાયાધીશોની ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર વિવાદનું કારણ બની જાય છે. શું સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે?
જવાબ : મને નથી લાગતું કે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂર છે. આવું કરવું ખોટું ગણાશે. જ્યારે કોઈ વીડિયો વાયરલ થાય છે અને તેની ટીકા થાય છે, ત્યારે તે સોશિયલ મીડિયાનો સ્વભાવ છે. તેનાથી કોઈ છટકી શકતું નથી. મનોરંજનના પાસાને બાજુ પર રાખીને, સોશિયલ મીડિયાનું એક મહત્વપૂર્ણ કાર્ય જાગૃતિ ફેલાવવાનું અને લોકોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવાનું છે. પરંતુ જ્યારે સંદર્ભ બદલાય છે અને સંપૂર્ણ ચિત્ર રજૂ કરવામાં આવતું નથી, ત્યારે તે બેકફાયર પણ કરી શકે છે.
સવાલ : ઘણી વાર એવું કહેવામાં આવે છે કે ‘જેલ અપવાદ છે અને જામીન એ નિયમ છે’, પરંતુ ઘણી અદાલતો આનું પાલન કરતી નથી. તમે તેને કેવી રીતે જુઓ છો?
જવાબ : આ સિદ્ધાંત આપણી ન્યાયિક પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પરંતુ તે હંમેશાં સમાન રીતે અનુસરવામાં આવતું નથી તે ધારણા દરેક કેસની હકીકતો, સંજોગો અને ગંભીરતા પર આધારિત છે. કોઈપણ કેસને તેના પોતાના સંદર્ભમાં જોવો જોઈએ.
સવાલ : તમે હંમેશાં કોલેજિયમ સિસ્ટમનો બચાવ કર્યો છે. શું તમને લાગે છે કે સુધારણા માટે અવકાશ છે?
જવાબ: ગમે તેટલી સારી સિસ્ટમ અથવા પ્રેક્ટિસ હોય, તેમાં હંમેશાં સુધારણા માટે અવકાશ હોય છે. પરિવર્તન એ નિયમ છે. જેમ જેમ સમાજ આગળ વધતો જાય છે તેમ સંસ્થાઓએ પણ પોતાની જાતને બદલવી પડે છે. કોલેજિયમ સિસ્ટમ પહેલા કરતા વધુ પારદર્શક બની ગઈ છે, પરંતુ હજી પણ સુધારણા માટે શક્યતા છે. ઉમેદવારો સાથે રૂબરૂ વાતચીત શરૂ થઈ છે તે આવકાર્ય પગલું છે. આ કોલેજિયમના તમામ સભ્યોને ઉમેદવારને સમજવાની તક આપે છે. આગળ જઈને, આપણે તેમની ક્ષમતા, તેમના અનુભવ અને યોગ્યતા પર વધુ ધ્યાન આપવું પડશે.
સવાલ : કેટલાક કિસ્સાઓ એવા છે જેમાં ટેકનિકલ નોલેજ જરૂરી છે, જેમ કે કરવેરા અથવા પર્યાવરણીય કિસ્સાઓ. સુપ્રીમ કોર્ટ આવા કેસો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે?
જવાબ : મારા ઘણા ભૂતપૂર્વ સાથીદારો વિવિધ ક્ષેત્રોમાં કુશળતા ધરાવે છે. કરવેરા જેવી બાબતોમાં અમે ખૂબ જ અસરકારક રીતે કામ કર્યું છે. આ સિવાય જ્યાં જરૂર હોય ત્યાં ડોમેન એક્સપર્ટ્સની મદદ પણ લેવામાં આવે છે.





