Delhi Red Fort Blast Updates : પોલીસને લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર મળી આવી છે. આ કારનો નંબર DL10-CK-0458 છે. પોલીસને આ કાર હરિયાણાના ખંડાવલી ગામના એક ફાર્મહાઉસમાંથી મળી આવી હતી. આ કાર લાલ કિલ્લા નજીક બોમ્બ બ્લાસ્ટના સંદિગ્ધ ઉમર નબીની છે.
પોલીસને ખબર પડી કે આ કાર ઉમર નબીના નામે રજિસ્ટર છે તો તરત જ ઘણા રાજ્યોમાં આ કારની શોધખોળ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર ઉમર નબીના મિત્રના એક ફાર્મહાઉસમાંથી મળી આવી છે અને પોલીસ તેના મિત્રની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે. ફોરેન્સિક અને બેલિસ્ટિક એક્સપર્ટે ગાડીની ચકાસણી કરી હતી.
આઈ 20 કાર પ્લમ્બરના નામે રજિસ્ટર હતી
જ્યારે લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયો ત્યારે ઉમર નબી આઈ-20 કાર ચલાવી રહ્યો હતો, તે કાર પુલવામાના એક પ્લમ્બરના નામે રજિસ્ટર્ડ હતી. પોલીસે પ્લમ્બરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. પોલીસનું કહેવું છે કે જ્યારે કારમાં લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયો ત્યારે તેમાં 60 કિલોથી વધુ એમોનિયમ નાઇટ્રેટ હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાર જિલ્લામાં રેડ કરી
દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ચાર જિલ્લામાં દરોડા પાડ્યા હતા. પોલીસે ખાસ કરીને 2019 માં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (JeI) ને નિશાન બનાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે કુલગામમાં 200 થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે છેલ્લા ચાર દિવસમાં કોર્ડન અને સર્ચના 400 અભિયાન હાથ ધરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – કોણ છે શાહીન શાહિદ? આતંકી મોડ્યુલ મામલે થઇ ધરપકડ, પિતાએ કહ્યું – મારી પુત્રી આવું ન કરી શકે
ફરીદાબાદ અને સહારનપુરમાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે આ દરોડા પાડ્યા હતા. આ આતંકવાદી મોડ્યુલમાં સામેલ સંદિગ્ધ કાશ્મીરના હતા. એજન્સીઓને શંકા છે કે પુલવામાના રહેવાસી ડૉ. ઉમર નબીએ લાલ કિલ્લા પર વિસ્ફોટ કર્યો હતો. જોકે પોલીસનું કહેવું છે કે તે ઘટના અને દરોડા વચ્ચે કોઈ સંબંધ નથી.





