S Jaishankar : વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત ઇચ્છે છે કે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે તેની વાતચીત જલદી કોઈ નિષ્કર્ષ પર પહોંચે. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વેડફુલ સાથેની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ ટિપ્પણી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે આ વાતચીત અર્થવ્યવસ્થા, જળવાયુ પરિવર્તન, રક્ષા અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર કેન્દ્રિત છે.
વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારત સાથે વેપારને બમણો કરવાના જર્મનીના લક્ષ્યાંકની પ્રશંસા કરીએ છીએ. વિદેશ મંત્રીએ નિકાસ નિયંત્રણના પ્રશ્નોના નિરાકરણ માટે જર્મનીની પણ પ્રશંસા કરી હતી. જયશંકરે સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારત સાથે સહયોગ કરવામાં જર્મનએ રસ દાખવવા બદલ નિર્ણય આવકાર્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે જર્મન વિદેશ મંત્રી વેઇડફુલે તેમને કહ્યું કે જર્મની ભારત-ઇયુ મુક્ત વેપાર સમજૂતીના સમર્થનમાં શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
જયશંકરે કહ્યું કે ભારત અને જર્મની ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં પણ સહયોગની સંભાવના શોધી રહ્યા છે. જર્મની સાથે ભારતના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે આ માટે આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો – અમેરિકા સાથે ક્યારે અને કેવી રીતે થશે ટ્રેડ ડીલ? પીયુષ ગોયલે શું આપ્યો જવાબ
જર્મન વિદેશ મંત્રીની યુરોપની બહારની આ પ્રથમ વિદેશ યાત્રા છે. થોડા સમય પહેલા જ વિદેશ મંત્રી જયશંકરે બર્લિનની મુલાકાત કરી હતી. તેના તરત પછી જર્મન વિદેશ મંત્રીની ભારત મુલાકાત કરી છે. જયશંકરે કહ્યું કે ભારત અને જર્મનીએ વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ અને વૈજ્ઞાનિક ભાગીદારીના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે સાંસ્કૃતિક સમજૂતીનો પાયો 60 વર્ષ પહેલા નખાયો હતો.
જર્મન પ્રતિનિધિમંડળે બેંગલુરુની મુલાકાત લીધી
આ ઉપરાંત જર્મન પ્રતિનિધિમંડળે બેંગલુરુની મુલાકાત લીધી હતી. તેમણે ભારત અને જર્મની વચ્ચે ટેકનિકલ સહકારની સંભવિતતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જર્મનીના વિદેશ મંત્રીની સાથે બિઝનેસ લીડર્સ અને સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ છે. જયશંકરે કહ્યું કે ભારત અને જર્મની ખૂબ જ સારા સહકારની તેમની મજબૂત પરંપરાને આગળ વધારશે અને વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરશે.