Farmers Protest WTO Quit Day : ખેડૂત આંદોલન 2.0ને બે સપ્તાહથી વધારે દિવસ થઇ ગયા છે અને હજી પણ આંદોલન ચાલુ છે. ખેડૂતોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબ્લ્યુટીઓ કરારમાંથી કૃષિ ક્ષેત્રને બાકાત રાખવાની માગણી સાથે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ ટ્રેક્ટર રેલીઓ કાઢી અને પૂતળાનું દહન કર્યું છે.
સોમવારને ડબ્લ્યુટીઓ ક્વિટ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે. માત્ર એસકેએમ જ નહીં ખેડૂત સંગઠનો કિસાન મઝદૂર મોરચા (KMM) અને એસકેએમ (બિન-રાજકીય)એ ‘દિલ્હી ચલો’ રેલીનું નેતૃત્વ કર્યું અને હરિયાણા સાથેની પંજાબની સરહદ પરના ગામડાઓ તેમજ શંભુ અને ખનૌરીમાં WTOના પૂતળા પણ બાળ્યા છે.

સંયુક્ત અરબ અમિરાતમાં ડબ્લ્યુટીઓ નું 13મું સંમેલન થઇ રહ્યું છે અને તે 29 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે WTOનો ઉદ્દેશ્ય કૃષિને આપવામાં આવતી સબસિડીને સંપૂર્ણપણે દૂર કરવાનો છે અને જો ભારત તેનું પાલન કરશે તો તે અત્યંત નુકસાનકારક સાબિત થશે. પશ્ચિમ યુપીમાં, ભારતીય કિસાન યુનિયન (BKU) ના આહ્વાન પર ખેડૂતોએ ટ્રેક્ટર સાથે રેલી કાઢી અને WTOના પૂતળા બાળીને વિરોધ કર્યો હતો.
ખેડૂત દ્વારા WTOની નીતિનો વિરોધ કેમ?
ખેડૂતોએ જલંધર-જમ્મુ નેશનલ હાઈવે સહિત ઘણી જગ્યાએ તેમના ટ્રેક્ટર પાર્ક કર્યા હતા. દોઆબા કિસાન સમિતિના પ્રદેશ અધ્યક્ષ જંગવીર સિંહ ચૌહાણની આગેવાની હેઠળ ખેડૂતોએ ટાંડાના વિજળી ઘર ચોકમાં પણ તેમના ટ્રેક્ટર રસ્તા પર પાર્ક કર્યા હતા. ચૌહાણે WTOની નીતિઓની ટીકા કરી છે અને તેમને ખેડૂત વિરોધી ગણાવી છે. ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ), બીકેયુ (કાડિયાન), બીકેયુ (એકતા ઉગરાહાં) જેવા અન્ય ઘણા ખેડૂત સંગઠનોએ પણ વિરોધ કર્યો હતો.

અખિલ ભારતીય કિસાન સભા (AIKS) ના રાજ્ય ઉપાધ્યક્ષ શમશેર સિંહ નંબરદારે જણાવ્યું હતું કે સુરેવાલા ચોક, મય્યાર ટોલ, ચૌધરીવાસ, બગલા મોડ, બડોપટ્ટી અને બસ ટોલ સહિત અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તેમણે એવો પણ દાવો કર્યો કે WTOની નીતિઓને કારણે તમામ પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં આવતા નથી. દરમિયાન, શુભકરણના મૃત્યુના પાંચ દિવસ પછી પણ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો નથી.
તો આ મામલે જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પંજાબ સરકારે ખેડૂતોના પક્ષમાં બોલવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે પંજાબના સીએમ પોતાને ખેડૂત ના મિત્ર ગણાવી રહ્યા છે, તેથી હવે તેમણે પણ કંઈક પગલાં લેવા જોઈએ. તેઓએ હરિયાણાના દોષિત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ.
આ પણ વાંચો | ખેડૂત પરિવારો દયનિય સ્થિતિમાં, માસિક માથાદીઠ વપરાશ ખર્ચ 4000થી પણ ઓછો – HCES રિપોર્ટમાં ખુલાસો
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું કે, સરકાર સાથે મંત્રણામાં સમસ્યાનું કોઇ સમાધાન નીકળ્યું નથી. તેમણે કહ્યું કે, હરિયાણા અને પંજાબમાં કેન્દ્ર સરકારના ફરી મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાના પગલાંને આવકાર્ય છીએ. પંઢેર કહ્યું કે, હવે ઈન્ટરનેટ પ્રતિબંધ માત્ર શંભૂ અને ખનૌરીના એક કિમીના દાયરામાં છે. તેમણે ઉમેર્યુ કે, સરકારને આગામી વાતચીત પહેલા ઘણી બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે.





