હરિયાણા પંજાબની સરહદ ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી ગૂંજી રહી છે. કૃષિ ક્ષેત્રને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) કરારમાંથી બાકાત રાખવાની માંગ સાથે ખેડૂતો લોહી ઉકાળી રહ્યા છે. કિસાન મજદૂર મોરચા (KMM), સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિત ખેડૂતો દિલ્હી ચલો કૂચ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોએ સોમવારે ભારે રોષ સાથે ડબલ્યુટીઓ છોડો દિવસ મનાવ્યો હતો.
પંજાબ અને હરિયાણામાં ઘણા સ્થળોએ ખેડૂતોએ સોમવારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. હાઈવે પર ટ્રેક્ટર મુકી દઇ રસ્તા બ્લોક કર્યા અને વિવિધ બેનરો સાથે પ્રદર્શન કર્યું. ખેડૂતોએ પૂતળા દહન અને નારા લગાવ્યા જેના પડઘા પડ્યા અબૂ ધાબીમાં. સોમવારથી અબુ ધાબીમાં ડબલ્યુટીઓની 13મી મંત્રી સ્તરની પરિષદ યોજાઇ છે. જે 29 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે. ખેડૂતોએ આ પરિષદની સામે સોમવારે Quit WTO Day નોંધાવ્યો.
ડબલ્યુટીઓ કરારથી હાલત કફોડી બનશે
ખેડૂતોએ ડબલ્યુટીઓ છોડો બેનરો સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂત આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો કે, અમારી માંગ છે કે કૃષિને ડબલ્યુટીઓ કરારમાંથી બાકાત રાખવામાં આવે. આ કરારથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનશે. આ કરારને કારણે કૃષિ પર જોખમ વધશે, ખેડૂતો અને ગ્રાહકોએ આ સમજવાનો સમય આવી ગયો છે.
WTO નીતિથી MSP નથી મળતી
ખેડૂતોની આગામી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં અખિલ ભારતીય કિસાન સભાા પ્રદેશ ઉપાધ્યાક્ષ શમશેર સિંહે મીડિયાને જણાવ્યું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) નીતિઓને કારણે ખેડૂતોને તમામ પર લઘુત્તમ ટેકાના ભાવ નથી મળી રહ્યા. સરકાર ખેડૂતોને અમુક પાક પર જ એમએસપી આપી રહી છે.
ખેડૂતોની માંગણીઓ શું છે?
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના ખેડૂતો કૃષિને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) કરારથી અલગ રાખવા માંગે છે. ખેડૂતો કૃષિને ડૂબલ્યૂટીઓ વેપારથી દૂર રાખવા ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત લઘુત્તમ ટેકાના ભાવ, દેવા માફી, સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ અને ખેડૂતોને પેન્શનની માંગ કરી રહ્યા છે.





