Lalit Modi : આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ નેતા શશિ થરૂર પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે. ઈન્ટરવ્યુમાં તેમણે શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. લલિત મોદીએ કહ્યું કે કોચ્ચી આઈપીએલ ફ્રેન્ચાઇઝી કેસમાં તેને ઘણી વખત ધમકી આપવામાં આવી હતી અને દબાણ કરવામાં આવ્યું હતું. લલિત મોદીએ ખુલાસો કર્યો હતો કે શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરને આ ફ્રેન્ચાઇઝી સાથે કોઇ સીધો સંબંધ ન હોવા છતાં ટીમમાં 25 ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો.
ધમકીભર્યા કોલ અને સહીઓ માટે દબાણ
ફેમસ યુટ્યુબર રાજ શમનીના પોડકાસ્ટમાં લલિત મોદીએ કહ્યું કે મને કોચ્ચી ટીમના દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. સુનંદા પુષ્કરનો ટીમ સાથે કોઈ સંબંધ ન હતો છતાં તેને 25 ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો. હું તેના પર સહી કરવા માટે તૈયાર ન હતો. બીસીસીઆઈના તત્કાલીન અધ્યક્ષને સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેમણે આ સોદા અંગે સવાલ ઉઠાવ્યા હતા અને સહી કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેમને કોંગ્રેસના નેતા શશિ થરૂરે ધમકી આપી હતી. લલિત મોદીએ કહ્યું કે શશિ થરૂરે ફોન પર કહ્યું કે જો તમે સહી નહીં કરો તો ઈડીના દરોડા, ઈન્કમટેક્સની તપાસ અને જેલ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.
બીસીસીઆઈના વડા શશાંક મનોહરે પણ કર્યું દબાણ
લલિત મોદીએ કહ્યું કે બીસીસીઆઈના તત્કાલિન અધ્યક્ષ શશાંક મનોહરે પણ આ મામલે તેમના પર દબાણ બનાવ્યું હતું. શશાંકે કહ્યું કે તેમને 10 જનપથથી ફોન આવ્યા હતા, જેમાં તેમને આ ડીલ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે જો હું રાત સુધીમાં દસ્તાવેજો પર સહી નહીં કરું, તો મને મારા પદ પરથી દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો – અદાણી મુદ્દા પર સંસદમાં હંગામો, રાહુલ ગાંધી બોલ્યા : તેમને જેલમાં હોવા જોઈએ, મોદી સરકાર બચાવી રહી છે
લલિત મોદીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારે દબાણ બાદ તેમણે દસ્તાવેજો પર સહી કરી હતી. આ પછી બીજા દિવસે સવારે તેમણે અખબારોમાં જોયું કે શશિ થરૂર અને સુનંદા પુષ્કર લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમાચાર મારા માટે ચોંકાવનારા હતા. સુનંદા પુષ્કર અને શશિ થરૂર વચ્ચે આવો સંબંધ છે તેનો મને ખ્યાલ ન હતો.
ભાજપે ગાંધી પરિવાર અને શશિ થરૂર પાસે જવાબ માંગ્યા
આ ઇન્ટરવ્યૂ બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા ગાંધી પરિવાર અને શશિ થરૂર પાસે જવાબ માંગ્યા હતા. ભાજપના નેતાઓએ પૂછ્યું કે શું ખરેખર સોનિયા ગાંધીના ઘરેથી ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હતા અને સુનંદા પુષ્કરને કોઈ પણ રોકાણ વિના 25 ટકા હિસ્સો કેમ આપવામાં આવ્યો?
લલિત મોદીના આ આરોપોએ ફરી એકવાર ક્રિકેટ અને રાજકારણ વચ્ચેના ઊંડા સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. તેમના મતે કોચ્ચી આઈપીએલ ટીમનો આ કિસ્સો માત્ર રમત સાથે જોડાયેલો ન હતો, પરંતુ તેની પાછળ રાજનીતિની મોટી રમત હતી.
લલિત મોદીના આ ઇન્ટરવ્યૂ બાદ આ મામલે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો ખેલ વધુ તીવ્ર બને તેવી ધારણા છે. સાથે જ આ આરોપો પર શશિ થરૂર કે ગાંધી પરિવાર તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. લલિત મોદીના આ ખુલાસાઓએ આઈપીએલ સાથે જોડાયેલા વિવાદોને ફરી હેડલાઇન્સમાં લાવી દીધા છે.





