પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું નિધન, પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Former PM Dr Manmohan Singh Passes Away : દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું

Written by Ashish Goyal
December 27, 2024 00:16 IST
પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહનું નિધન, પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિત રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Passes Away : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું (ફાઇલ ફોટો)

Former PM Dr Manmohan Singh Passes Away Reactions : દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોતાના વરિષ્ઠ નેતાના નિધનના કારણે કોંગ્રેસ પાર્ટીએ પોતાના તમામ નિર્ધારિત કાર્યક્રમ રદ કરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને દેશના વિકાસમાં ભાગ બનાવીને આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો શ્રેય આપ્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજકીય પક્ષોના નેતાઓએ પણ પૂર્વ પીએમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચારથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌર સાથે વાત કરી હતી, જે પહેલાથી જ એમ્સ હોસ્પિટલમાં હાજર હતા.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર આવતીકાલે યોજાનારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવશે. કાલે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક મળશે. ડો.મનમોહનસિંહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પીએમ મોદીએ ડૉ.મનમોહન સિંહ સાથેની યાદોને વાગોળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારત પોતાનાં સૌથી વધુ પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉ. મનમોહન સિંહજીનાં નિધન પર શોક વ્યક્ત કરે છે. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી બહાર આવીને, તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણાં મંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ પર કાર્ય કર્યું અને વર્ષોથી આપણી આર્થિક નીતિ પર તેમની મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમના હસ્તક્ષેપો પણ વ્યવહારિક હતા. આપણા વડા પ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે ડો.મનમોહનસિંહજી અને હું તે સમયે નિયમિત વાતચીત કરતા હતા જ્યારે તે પ્રધાનમંત્રી અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમતા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ ડૉ. મનમોહન સિંહજીના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.

આ પણ વાંચો – મનમોહન સિંહ પર બની હતી આ બોલિવૂડ ફિલ્મ, અનુપમ ખેરે ભજવ્યો હતો પૂર્વ વડાપ્રધાનનો રોલ

રાહુલ ગાંધીએ કહ્યું – પૂર્વ પીએમને ગર્વથી યાદ કરશે

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે મનમોહન સિંહજીએ અસીમ બુદ્ધિમતા અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઉંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને તેમના પરિવારને મારી હાર્દિક સહાનુભૂતિ. મેં એક માર્ગદર્શક અને મેન્ટોર ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જે તેમના પ્રશંસક હતા, તેઓ તેમને ખૂબ ગર્વથી યાદ કરશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું – સૌમ્ય અને સરળ વર્તન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટ કરીને લખ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નિધન ખૂબ જ દુખદ છે. તે એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને પ્રબુદ્ધ રાજનેતા હોવાની સાથે તેમના સૌમ્ય અને સરળ વર્તન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે એક સક્ષમ વહીવટકર્તા, નાણાં મંત્રી અને વડા પ્રધાન તરીકે દાયકાઓ સુધી દેશની સેવા કરી હતી.

સીએમ યોગીએ કહ્યું – ભારતીય રાજકારણ માટે અપૂરણીય ક્ષતિ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહનું નિધન ખૂબ જ દુઃખદ અને ભારતીય રાજકારણ માટે અપૂરણીય ક્ષતિ છે. નાણામંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે દેશના શાસન-પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને મુક્તિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

અરવિંદ કેજરીવાલે કહ્યું – બુદ્ધિમતા અને સાદગીના ગુણોને શબ્દોમાં વર્ણવવું અશક્ય

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું કે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન એ દેશ માટે અપૂરણિય ક્ષતિ છે. તેમની બુદ્ધિમતા અને સાદગીના ગુણોને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. ભગવાન તેમના પૂણ્ય આત્માને તેમના શ્રીચરણોમાં સ્થાન આપે. તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે મારી સંવેદના.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ