/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/UP-Congress.jpg)
લોકસભા ચૂંટણી 2024 અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ - express photo
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ : લોકસભા ચૂંટણી 2024 ની તારીખો ની જાહેરાત પહેલા તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાંથી તેઓ ગત ચૂંટણીમાં જીત્યા હતા. હાલમાં, પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી, જે દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતું રાજ્ય છે.
આ દરમિયાન, કોંગ્રેસની ઉત્તર પ્રદેશ એકમની નવી રચાયેલી રાજ્ય ચૂંટણી સમિતિએ રવિવારે ભલામણ કરી હતી કે, ગાંધી પરિવારના સભ્યોએ અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો પરથી પોતે જ ચૂંટણી લડવી જોઈએ. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાયબરેલી મતદારક્ષેત્રમાંથી ચૂંટાયા હતા, જ્યારે તેમના પુત્ર રાહુલ પડોશી જિલ્લા અમેઠીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.
ચૂંટણી સમિતિએ બેઠકો માટેના નામોની ચર્ચા કરી હતી
રવિવારે લખનૌમાં તેની પ્રથમ બેઠકમાં, AICC મહાસચિવ અવિનાશ પાંડેની આગેવાની હેઠળની રાજ્ય ચૂંટણી સમિતિએ 17 બેઠકોના નામો પર ચર્ચા કરી કે, જેના પર પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના ભાગરૂપે યુપીમાં ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેમાં રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અવિનાશ પાંડેએ બેઠક બાદ કહ્યું, “રાયબરેલી અને અમેઠી હંમેશા ગાંધી પરિવાર સાથે સંકળાયેલા છે અને આ લોકસભા બેઠકો તેમની નજીકની રહી છે. આવી સ્થિતિમાં, અમેઠી અને રાયબરેલીમાં કાર્યકરો તેમજ અધિકારીઓની ભાવનાઓને આધારે, અમે સર્વસંમતિથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે કે, ત્યાં જે પણ નામ નક્કી કરવામાં આવે તે ગાંધી પરિવારના હોવા જોઈએ. જો કે, અંતિમ નિર્ણય તેઓ જ લેશે.”
બે કલાક ચાલેલી બેઠક દરમિયાન સમિતિએ અન્ય 15 બેઠકો માટે સંભવિત ઉમેદવારો અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછી ત્રણ અન્ય બેઠકો છે જેના માટે માત્ર એક નામ પર વિચારણા કરવાની હતી. જેમાં વારાણસીથી રાજ્ય એકમના અધ્યક્ષ અજય રાય, સહારનપુરથી પૂર્વ ધારાસભ્ય ઈમરાન મસૂદ અને બારાબંકીથી તનુજ પુનિયાનો સમાવેશ થાય છે.
આ આધારે નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે
પાર્ટીના એક નેતાએ કહ્યું, “11 લોકસભા બેઠકો પર, સમિતિના સભ્યોએ સ્થાનિક જ્ઞાતિ સમીકરણો અને અરજદારોની પ્રોફાઇલ જોઈ અને એક નામ પસંદ કર્યું, જે કેન્દ્રીય નેતૃત્વને પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ બેઠકોમાં ઝાંસીનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી પૂર્વ સાંસદ પ્રદીપ જૈન આદિત્યનું નામ સૂચવવામાં આવ્યું છે. પૂર્વ સાંસદ રાજ બબ્બરનું નામ ફતેહપુર સીકરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે, વર્તમાન ધારાસભ્ય વીરેન્દ્ર ચૌધરીના નામને મહારાજગંજ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે, પૂર્વ સાંસદ કમલ કિશોર કમાન્ડોને બાંસગાંવ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલીક બેઠકો પર કેન્દ્રીય ચૂંટણી સમિતિને બેથી ત્રણ નામોની દરખાસ્ત વિચારણા માટે કરવામાં આવી છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, “દેવરિયા માટે ઉમેદવારોના નામ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, જ્યાં ઘણા મજબૂત દાવેદારો છે. પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય એકમના વડા અજય કુમાર લલ્લુ, પૂર્વ IYC રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવ ચંદ અને પૂર્વ ધારાસભ્ય અને પક્ષના પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહ. આ ત્રણ નામો કેન્દ્રીય નેતૃત્વને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે
ઈન્ડિયા ગઠબંધન સીટ વહેંચણીના ભાગ રૂપે, સમાજવાદી પાર્ટી અને તેના નાના સહયોગીઓ યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 63 પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ માટે 17 બેઠકો છોડશે. આ 17 બેઠકોમાં રાયબરેલી, અમેઠી, કાનપુર, ફતેહપુર સીકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયાનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us