Gandhi Jayanti Day 2025 History and Importance: દર વર્ષે 2 ઓક્ટોબરે ‘ગાંધી જયંતિ’ ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રપતિ ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ ભણાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આ વર્ષે મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે.
ગાંધી જયંતિ શા માટે ઉજવવામાં આવે છે
મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે પણ સંબોધવામાં આવે છે. ગાંધીજીએ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે જીવનભર સંઘર્ષ કર્યો હતો. ગાંધીજી માનતા હતા કે અહિંસા એક દર્શન છે, એક સિદ્ધાંત છે, એક અનુભવ છે, જેના આધારે સારા સમાજનું નિર્માણ શક્ય છે. ગાંધીજી શાંતિપ્રિય વ્યક્તિ હતા અને તેમણે હંમેશા અહિંસાને પ્રથમ ધર્મ ગણાવ્યો હતો. ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વએ અપનાવ્યા હતા, તેમનું જીવન જન જન માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી.
દક્ષિણ આફ્રિકામાં આંદોલન છેડ્યું હતું
દાદા અબ્દુલ્લાએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવાની દરખાસ્ત કરી હતી. જે પછી તે 1893માં એક વર્ષના કોન્ટ્રાક્ટ પર સાઉથ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરિમયાન મહાત્મા ગાંધીને ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાંથી ધક્કો મારીને ઉતારી મુક્યા હતા. ત્યારે પ્લેટફોર્મના આ વેઇટિંગ રૂમમાં કડકડતી ઠંડીમાં તેમણે આખી પસાર કરી હતી. એ રાત્રે જ અહિંસક સત્યાગ્રહના પગરણ મંડાયાં હતાં. ભારતીયો પ્રત્યેના ભેદભાવે ગાંધીજીને હચમચાવી નાખ્યા હતા. આ પછી ગાંધીજીએ 1894 માં દક્ષિણ આફ્રિકામાં આફ્રિકનો અને ભારતીયો સામે વંશીય ભેદભાવ સામે અહિંસક વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ આંદોલનમાં હજારો લોકો સરકારનો વિરોધ કરવા માટે તેમની સાથે જોડાયા હતા.
આ પણ વાંચો – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર બહાર પાડવામાં આવેલા સિક્કામાં શું ખાસ છે? PM મોદીએ સમજાવ્યું
દાંડી કૂચ અને ભારત છોડો આંદોલન
દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ અંગ્રેજો સામે વિરોધ શરૂ કર્યો હતો. 1930માં તેમણે દાંડી કૂચ અને 1942માં ‘ભારત છોડો આંદોલન’નું નેતૃત્વ કર્યું હતું. આ બંને આંદોલનોએ દેશવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંધીજીનું આ અહિંસક પ્રદર્શન જોઈને અંગ્રેજોને પણ આશ્ચર્ય થયું હતું.
ગાંધી જયંતિ ઉજવણી
ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશના નેતાઓ મહાત્મા ગાંધીને તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ભારતની સ્વતંત્રતામાં ગાંધીજીના યોગદાન અને દક્ષિણ આફ્રિકામાં વંશીય ભેદભાવ સામેના યોગદાનને ધ્યાનમાં રાખીને, સંયુક્ત રાષ્ટ્રએ 15 જૂન 2007ના રોજ ર ઓક્ટોબરને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો.