Gaurikund Landslide disaster : ગૌરીકુંડ કેદારનાથ દુર્ઘટના : દેવભૂમિ ઉત્તરાખંડના કેદારનાથથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગૌરીકુંડ પાસેના પહાડો પરથી ભૂસ્ખલન થયું અને મોટા પથ્થરો પડવા લાગ્યા હતા. આ પથ્થરો પડતાં ત્રણ લોકોનાં કરૂણ મોત થયાં હતાં, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત વરસાદના કારણે લેન્ડ સ્લાઈડને કારણે થયો હતો.
આ ઘટનાની માહિતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સવારે 7.30 વાગ્યે મળી હતી, જેના કારણે અધિકારીઓને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. આ મામલામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, પહાડી પરથી કાટમાળ અને મોટા પથ્થરો પડ્યા છે, જેના કારણે અનેક યાત્રાળુઓ કાટમાળ નીચે ફસાયા હતા.
કાટમાળમાંથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
દુર્ઘટનાની માહિતી મળતા જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ત્યાં પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એક ઘાયલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. બાકીના પીડિતો માટે શોધ અને બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ છે.
અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ક્યાંના હતા તે અંગેની માહિતી હજુ સુધી બહાર આવી નથી. જોકે, NDRFની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે અને કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
ચારધામ યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો
તમને જણાવી દઈએ કે, IMD એ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જોકે, હવે ચારધામના યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. અત્યારે ભક્તોની સંખ્યા ઓછી છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઈડના બનાવોને કારણે લોકો ઓછા આવતા હોય છે.
આ પણ વાંચો – ગુજરાત વેધર અપડેટ્સ : દ્વારકા, પોરબંદર, જુનાગઢ, વલસાડ માં વરસાદી સંકટ યથાવત, 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો?
હવામાન વિભાગ પણ સતત ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરી રહ્યું છે. હવામાન વિભાગે કુમાઉ, ગઢવાલ, દેહરાદૂન, પૌરી, ચંપાવત, નૈનીતાલ, ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, હરિદ્વાર, ઉધમ સિંહ નગર માટે યલો એલર્ટ આપ્યું છે. તેમજ હવામાન વિભાગે લોકોને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની સલાહ આપી છે.