Sushila Karki becomes Nepal Interim PM : હિંસક વિરોધ પ્રદર્શનો પછી કેપી શર્મા ઓલી સરકારના પતન બાદ નેપાળમાં રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવતા, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શુક્રવારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તેઓ દેશનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા બની ગયા છે. રાષ્ટ્રપતિના પ્રવક્તા કિરણ પોખરેલે તેમની નિમણૂકની જાહેરાત કરી હતી. નેપાળ સંસદ પણ વિસર્જન થવાની તૈયારીમાં છે.
Gen Z વિરોધ જૂથોના નેતાઓ અને કાઠમંડુના મેયર બાલેન્દ્ર શાહે પહેલાથી જ કાર્કીને વચગાળાની સરકારના વડા તરીકે સમર્થન આપ્યું હતું. જનરલ ઝેડના નેતાઓએ ત્રણ મુખ્ય રાજકીય પક્ષોના વલણને નકારી કાઢ્યું અને રાષ્ટ્રપતિને ચેતવણી આપી કે તેઓ તેમને અથવા તેમના આંદોલનના સંદેશને ઓછો ન કરે.
Gen Z ના વિરોધ પછી વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું
સરકારના વિરોધમાં Gen Z પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો, મુખ્ય રાજકીય પક્ષોની કચેરીઓ અને મોટા નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. Gen Z વિરોધીઓના જબરદસ્ત હિંસક વિરોધ પ્રદર્શન બાદ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું.
નેપાળમાં સતત બગડતી પરિસ્થિતિ બાદ સેનાએ દેશની સુરક્ષાની કમાન સંભાળી લીધી હતી. રાજધાની કાઠમંડુ સહિત દેશના તમામ મોટા શહેરોમાં હજુ પણ સેનાના જવાનો તૈનાત છે.
આ પણ વાંચો – જાણો કોણ છે 73 વર્ષીય સુશીલા કાર્કી
સુશીલા કાર્કીનો બનારસ સાથે ખાસ સંબંધ
સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગરમાં થયો હતો. સુશીલા કાર્કીએ 1975માં વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને 1978માં નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
કાર્કીએ 1979માં વિરાટનગરમાં વકીલાત શરૂ કરી હતી અને 1985માં ધરાનના મહેન્દ્ર મલ્ટીપલ કેમ્પસમાં સહાયક શિક્ષક તરીકે કામ કર્યું હતું. તેઓ 2007માં સિનિયર એડવોકેટ બન્યા હતા. તેઓ 22 જાન્યુઆરી 2009ના રોજ સુપ્રીમ કોર્ટમાં એડહોક જસ્ટિસ તરીકે નિમણૂક પામ્યા હતા અને 18 નવેમ્બર 2010ના રોજ જસ્ટિસ બન્યા હતા. તેમણે 13 એપ્રિલથી 10 જુલાઈ 2016 સુધી કાર્યકારી ચીફ જસ્ટિસ અને ત્યારબાદ 11 જુલાઈ 2016થી 7 જૂન 2017 સુધી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. સુશીલા કાર્કીના પતિ દુર્ગા પ્રસાદ સુબેદી છે, જે નેપાળી કોંગ્રેસના અગ્રણી નેતા છે. સુબેદી સાથે તેમની મુલાકાત અભ્યાસ દરમિયાન બનારસમાં થઇ હતી.





