Nepal Gen Z Protests : નેપાળમાં Gen Z ના પ્રદર્શનકારીઓ ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને જેના કારણે કેટલાક વિસ્તારોમાં તણાવ ફેલાયો છે. પરિસ્થિતિ ખરાબ થતા વહીવટીતંત્રએ બારા જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો છે.
કાઠમંડુ પોસ્ટના અહેવાલ અનુસાર સવારે 11 વાગ્યે પ્રદર્શનકારીઓ સમારા ચોક પર એકઠા થયા હતા. પોલીસે તેમને વિખેરવા માટે બળનો પ્રયોગ કર્યો હતો પરંતુ સમારા એરપોર્ટ નજીક પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને એરપોર્ટની કામગીરી પણ બંધ કરવી પડી હતી. જેના કારણે સમરામાં કર્ફ્યુ લાદવો પડ્યો હતો અને તે આજે રાત્રે 8 વાગ્યા સુધી બારા જિલ્લામાં લાગુ રહેશે.
5 માર્ચ 2026 ના રોજ યોજાનારી ચૂંટણી પહેલા યુએમએલ (યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ) ના નેતાઓએ જિલ્લામાં આવવાની યોજના બનાવ્યા બાદ બુધવારથી તણાવ શરૂ થયો હતો.
સપ્ટેમ્બરમાં હિંસામાં 76 લોકોના મોત થયા હતા
આ વર્ષે સપ્ટેમ્બરમાં નેપાળમાં Gen Z પ્રદર્શનકારીઓના ભારે વિરોધને કારણે મોટા પાયે હિંસા થઈ હતી. આ કારણે નેપાળના વડા પ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું. Gen Z પ્રદર્શનકારીઓએ મોટા પ્રમાણમાં રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન 76 લોકોના મોત થયા હતા.
માર્ચમાં ચૂંટણી યોજાશે
નેપાળના ચૂંટણી પંચે 16 નવેમ્બરે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારોએ પ્રતિનિધિ સભાની ચૂંટણી માટે 20 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવાના રહેશે. ઉમેદવારોની યાદી તે જ દિવસે સાંજે પાંચ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચવા માંગે છે તેઓ 23 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકે છે.
આ પણ વાંચો – પાકિસ્તાનના નેતાની મોટી કબૂલાત, અમે લાલ કિલ્લાથી લઇને કાશ્મીર સુધી હુમલા કર્યા
આ પછી તે જ દિવસે બપોરે ત્રણ વાગ્યે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે અને ઉમેદવારોને સત્તાવાર રીતે ચૂંટણીનું ચિહ્ન ફાળવવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 5 માર્ચે ચૂંટણી યોજાશે. મતદાન સવારે સાત વાગ્યે શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે.





