Who Is New Army Chief Lieutenant General Upendra Dwivedi of India: લેફ્ટિનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રવિવારે ભારતના નવા આર્મી ચીફ તરીકેની જવાબદારી સંભાળી હતી. ઉપેન્દ્ર દ્વિવેદીએ જનરલ મનોજ સી પાંડેના અનુગામી બન્યા છે. અગાઉ ઉપેન્દ્ર દ્વિવેદી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. કેન્દ્ર સરકારે 11 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા આર્મી ચીફ પદે નિમણૂક કરવાની જાહેરાત કરી હતી.
ઉપેન્દ્ર દ્વિવેદીને 1984માં 18 જમ્મુ-કાશ્મીર રાઇફલ્સમાં કમિશન આપવામાં આવ્યું હતું. આ પછી તેમણે આ યુનિટની કમાન પણ સંભાળી હતી. જનરલ દ્વિવેદીને ઉત્તર અને પશ્ચિમી બંને સરહદોને સંતુલિત કરવાનું ગૌરવ છે. ઉપેન્દ્ર દ્વિવેદીએ નોર્ધન કમાન્ડર તરીકે કાઉન્ટર-ટેરરિસ્ટ ઑપરેશન હાથ ધરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જન્મ અને કરિયર
1 જુલાઈ, 1964ના રોજ જન્મેલા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને 15 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય સેનાની ઇન્ફન્ટ્રી (જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ)માં નિયુક્ત કરવામાં આવ્યા હતા. લગભગ 40 વર્ષ સુધીની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે વિવિધ કમાન્ડ, સ્ટાફ, તાલીમ અને વિદેશી નિમણૂકોમાં સેવા આપી છે.
લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીના કમાન્ડની નિમણૂકોમાં રેજિમેન્ટ (18 જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ), બ્રિગેડ (26 સેક્ટર આસામ રાઇફલ્સ), ઇન્સ્પેક્ટર જનરલ, આસામ રાઇફલ્સ (ઇસ્ટ) અને 9 કોર્પ્સના કમાન્ડનો સમાવેશ થાય છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીએ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે તેમની નિમણૂક પહેલા 2022-2024 સુધી ડિરેક્ટર જનરલ ઇન્ફન્ટ્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (હેડક્વાર્ટર્સ નોર્ધન કમાન્ડ) સહિતના મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા છે.
ઉપેન્દ્ર દ્વિવેદી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ પદે નિમણુંક
ઉપેન્દ્ર દ્વિવેદીને આ વર્ષે 15 ફેબ્રુઆરીએ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઓપરેશન રક્ષક દરમિયાન તેણે ચોકીબલમાં એક બટાલિયનની કમાન સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદીને ચીન અને પાકિસ્તાન દ્વારા ઉભા થયેલા પડકારોની ઊંડી સમજ છે કારણ કે તેમણે ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે બે વર્ષ સુધી સેવા આપી હતી.
ઉપેન્દ્ર દ્વિવેદી શિક્ષણ અને અભ્યાસ
સૈનિક સ્કૂલ રેવા, નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજના પૂર્વ વિદ્યાર્થી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ ડીએસએસસી વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ, મહૂમાં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત અમેરિકાના કાર્લિસ્લેના યુએસએડબલ્યુસી ખાતેના પ્રતિષ્ઠિત એનડીસી સમકક્ષતા અભ્યાસક્રમમાં લેફ્ટનન્ટ જનરલને ‘ડિસ્ટિંગ્વ્ડ ફેલો’થી નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો | લદ્દાખમાં ટેન્કને નડ્યો અકસ્માત, 5 જવાનો નદીમાં ડૂબ્યા, રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો
ઉપેન્દ્ર દ્વિવેદીએ ડિફેન્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ ફિલ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ એન્ડ મિલિટરી સાયન્સમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) અને ત્રણ જીઓસી-ઇન-સી પ્રસશ્તિ પત્રથી પણ સન્માતિ કરવામાં આવ્યા છે.