Indians visa Free Entry In Georgia: ભારતીય નાગરિકો માટે સારા સમાચાર છે. હવે તેઓ વિઝા વગર જ્યોર્જિયા ફરવા જઇ શકાશે. જો કે વિઝા ફ્રી એન્ટ્રી માટે અમુક શરતો પુરી કરવી પડશે. જ્યોર્જિયાના આ નિર્ણય સાથે ભારતીય મુસાફરો માટે હવે કોકેસસ પ્રદેશની સુંદરતાને વધુ નજીકથી જોવાનું સરળ બન્યું છે.
જ્યોર્જિયા સરકારે તાજેતરમાં જ તેની વિઝા નીતિમાં ફેરફાર કર્યો છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, શેંગેન દેશો (જેમ કે ફ્રાન્સ, જર્મની વગેરે) અથવા જાપાન માંથી માન્ય વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ ધરાવતા ભારતીય નાગરિકોને હવે જ્યોર્જિયામાં વિઝા મેળવવાની જરૂર રહેશે નહીં. તેઓ સીધા જ જ્યોર્જિયામાં પ્રવેશી શકે છે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
પ્રવાસનને પ્રોત્સાહન આપવાની યોજના
જ્યોર્જિયાના અધિકારીઓનું કહેવું છે કે આ નિર્ણયનો હેતુ ભારતીય પ્રવાસીઓને આકર્ષિત કરવાનો અને બંને દેશો વચ્ચે પ્રવાસન અને સાંસ્કૃતિક વિનિમયને વેગ આપવાનો છે. આ નિર્ણય ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ ઓછા ખર્ચે સુંદર અને શાંત જગ્યાઓ શોધી રહ્યા છે.
જ્યોર્જિયામાં વિઝા ફ્રી એન્ટ્રી કોને મળશે?
જો તમારી પાસે નીચેનામાંથી કોઈ એક દેશમાંથી માન્ય વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ હોય, તો તમે વિઝા વગરજ જ્યોર્જિયાની મુલાકાત લઈ શકો છો:
- અમેરિકા
- યુનાઇટેડ કિંગડમ
- શેંગેન ક્ષેત્રે (દા.ત. જર્મની, ફ્રાન્સ, સ્પેન વગેરે)
- જાપાન
જો આ દેશોના વિઝા ન હોય તો ગભરાશો નહીં. જ્યોર્જિયાએ તેની વિઝા અરજીની પ્રક્રિયા પણ સરળ બનાવી દીધી છે. હવે ઓનલાઇન એપ્લિકેશન ખૂબ ઓછા દસ્તાવેજોથી કરી શકાય છે.
જ્યોર્જિયા એ પ્રકૃતિ અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે.
જ્યોર્જિયા એક અત્યંત સુંદર દેશ છે, જે તેના પર્વતીય દૃશ્યો, જૂના ચર્ચો, દ્રાક્ષના બગીચાઓ અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતો છે. તેની રાજધાની, તબિલિસી, પ્રવાસીઓને સંસ્કૃતિ, ઇતિહાસ અને આધુનિકતાનું સંપૂર્ણ સંયોજન પ્રદાન કરે છે.
ત્બિલિસીની ગલીઓ, ત્યાંની કળા, લોકસંગીત અને ઉત્તમ ભોજન ભારતીય પ્રવાસીઓના હૃદયમાં સ્થાન બનાવી શકે છે. જે લોકો ઓછા બજેટમાં યુરોપ જેવા સ્થળે ફરવા જવાની ઈચ્છા રાખે છે તેમના માટે એકદમ પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે.
કાકેશસ શું છે?
કોકેસસ એ ભૌગોલિક અને રાજકીય પ્રદેશ છે જે યુરોપ અને એશિયાની સરહદ પર આવેલો છે. તેમાં મુખ્યત્વે ત્રણ દેશો જ્યોર્જિયા, આર્મેનિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ ક્ષેત્ર રશિયા, તુર્કી અને ઈરાન સાથે પણ જોડાયેલું છે. કાકેશસ પર્વતમાળામાં યુરોપના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એલ્બરસનો પણ સમાવેશ થાય છે. આ ક્ષેત્રની વિવિધતા, સંસ્કૃતિ અને ઇતિહાસ તેને એક વિશેષ પર્યટન સ્થળ બનાવે છે.
જો તમે એવા લોકોમાંના એક છો જેમને વિઝાની જરૂર છે, તો તમારે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે:
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- પાસપોર્ટનું સ્કેન કરેલું બાયોડેટા પેજ
- આધાર કાર્ડ અને સંપર્ક કરવા માટેની વિગત
- પાનકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ (6 મહિનાનું)
- ઈન્કમ ટેક્સ રિટર્ન (3 વર્ષ)
- જોબ પ્રુફ (સેલરી સ્લિપ અથવા જોબ લેટર)
આ દસ્તાવેજોની મદદથી, તમારી એપ્લિકેશન પર સરળતાથી અને પારદર્શક રીતે પ્રક્રિયા કરવામાં આવશે.
જોર્જિયા સરકારે ભારતીય પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ વિઝા સાથે જોડાયેલી તમામ માહિતી મેળવે અને માત્ર સરકારી વેબસાઇટ પરથી જ પ્રવાસ કરે. કોઇ એજન્ટ કે અનઅધિકૃત વેબસાઇટ પર વિશ્વાસ ન કરો, કારણ કે તેનાથી છેતરપીંડિ થવાનું જોખમ વધી જાય છે. સમયસરની તૈયારી મુસાફરીને સરળ અને મુશ્કેલી મુક્ત બનાવે છે.
પર્યટન નિષ્ણાતોનું માનવું છે કે જ્યોર્જિયાનું આ પગલું એક વ્યૂહાત્મક નિર્ણય છે. આ ભારત જેવા વિશાળ દેશના પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે. ભારતીય મુસાફરો હવે યુરોપિયન અનુભવ માટે જ્યોર્જિયાને પસંદ કરી શકે છે કારણ કે ત્યાંના વાતાવરણ, સંસ્કૃતિ અને ભોજન ભારતીયોને ઘણું આકર્ષિત કરી શકે છે.





