Green Crackers vs Normal Crackers Price Comparison : દિવાળી તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાવા વિશે વાદ વિવાદ થયા કરે છે. સુપ્રીમ કોર્ટે બુધવારે દિવાળી દરમિયાન દિલ્હી- એનસીઆરમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવાઈ અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે 18 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી આપવામાં આવશે. જો કે મોટાભાગના લોકોના મનમાં સવાલ થતો હશે કે, ગ્રીન ફટાકડા શું છે, શું તે સામાન્ય ફટાકડાની તુલનામાં કેટલા મોંઘા હોય છે, શું તે ફોડવાથી ઓછું પ્રદૂષણ ફેલાય છે? ચાલો જાણીયે વિગતવાર
ગ્રીન ફટાકડા કેવા હોય છે?
ગ્રીન ફટાકડા એક પ્રકારના ફટાકડા જ હોય છે, તે પરંપરાગત ફટાકડા કરતા પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે. ગ્રીન ફટાકડા ફોડતી વખતે ઓછ અવાજ અને ધુમાડો ફેલાય છે. આમ ગ્રીન ફટાકડા ફોડવાથી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઓછું ફેલાય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, ગ્રીન ફટાકડા માંથી 25 થી 30 ટકા ઓછી ખતરનાક ગેસ ઉત્પન્ા થાય છે.
ગ્રીન ફટાકડા શેમાંથી બને છે?
ગ્રીન ફટાકડામાં એલ્યુમિનિયમ, પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવા હાનિકારક રસાયણો ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અથવા બિલકુલ નથી. ગ્રીન ફટાકડામાં બેરિયમ પદાર્થ હોતો નથી, જેનો ઉપયોગ ફટાકડામાં લીલો રંગ ઉમેરવા માટે થાય છે. પરંપરાગત ફટાકડા કાળા પાવડર, ક્લોરેટ્સ અને પર્ક્લોરેટમાંથી બનાવવામાં આવે છે.
ગ્રીન ફટાકડાની શોધ કોણે કરી?
સીએસઆઈઆર-એનઈઈઆરઆઈ (નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા ગ્રીન ફટાકડાની શોધ કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડાની ઓળખ CSIR-NEERIના ગ્રીન લોગો અને પેકેટ્સ પરના એન્ક્રિપ્ટેડ QR કોડ દ્વારા કરી શકાય છે.
ગ્રીન ફટાકડા કેટલો અવાજ કરે છે?
સામાન્ય ફટાકડા 160 ડેસિબલ સુધી અવાજ કરે છે, જ્યારે ગ્રીન ફટાકડાનો અવાજ 110 થી 125 ડેસિબલ સુધીનો હોય છે. એટલે કે સામાન્ય ફટાકડાની સરખામણીમાં ગ્રીન ફટાકડા ફોડવાથી હવા અને ધ્વનિ પ્રદૂષણ બંને ઓછું ફેલાય છે. ગ્રીન ફટાકડામાં પેન્સિલ, તારામંડળ , કોઠી અને ચકેડીનો સમાવેશ થાય છે.
Green Crackers VS Normal Crackers Price : ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાની તુલનામાં કેટલા મોંઘા હોય છે?
ગ્રીન ફટાકડા બનાવવા માટે ખાસ સામગ્રી અને પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તેથી સામાન્ય ફટાકડાની તુલનમાં ગ્રીન ફટાકડાની કિંમત દોઢ ગણા થી બગણી વધારે હોય છે.
ગ્રીન ફટાકડા કેવી રીતે ઓળખવા?
ગ્રીન ફટાકડાની ઓળખ કરવી સરળ છે. ગ્રીન ફટાકડા પર લોગો છપાયેલો હોય છે, તેના પર CSIR NEERI (નેશનલ એન્વાર્યમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) નો એક QR કોડ પણ હોય છે. આ ક્યુઆર કોડ સ્કેન કરી ગ્રીન ફટાકડાની ખરાઇ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે આદેશમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બીઆર ગવાઈની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, 18 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ગ્રીન ફટાકડાના વેચાણની મંજૂરી આપવામાં આવશે. પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ ટીમો બનાવશે, જે ફક્ત ક્યૂઆર કોડવાળા ઉત્પાદનો વેચવામાં આવે છે તેના પર નજર રાખશે. ફટાકડા સાંજે 6 થી 10 વાગે દરમિયાન જ ફોડી શકાશે. ખંડપીઠે કહ્યું કે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ફટાકડા સપ્લાય કરવામાં આવશે નહીં.
બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “પરંપરાગત ફટાકડાની દાણચોરી કરવામાં આવે છે, જે વધુ નુકસાન પહોંચાડે છે. આપણે સંતુલિત અભિગમ અપનાવવો પડશે. હરિયાણાના 22 જિલ્લાઓ માંથી 14 જિલ્લા એનસીઆરમાં આવે છે. જ્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારે કોવિડના સમય સિવાય હવાની ગુણવત્તામાં વધુ તફાવત ન હતો. અર્જુન ગોપાલના નિર્ણય બાદ ગ્રીન ક્રેકર્સનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. 6 વર્ષમાં ગ્રીન ફટાકડાઓથી ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. NEERI એ તેમા યોગદાન આપ્યું છે. ”