GST 2.0: દેશમાં આજથી (22 સપ્ટેમ્બર) જીએસટી 2.0 લાગુ થઈ ગઇ છે. આજથી ચાર ટેક્સ સ્લેબને બદલે માત્ર બે મુખ્ય ટેક્સ (5 ટકા અને 18 ટકા) હશે, જ્યારે શરાબ, તમાકુ, સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમિંગ જેવા સિન ગુડ્સ પર 40 ટકાનો સ્પેશ્યલ ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે. આજે નવા દરો અમલમાં આવ્યા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને પત્ર લખીને સ્વદેશી અપનાવવાની અપીલ કરી છે.
પીએમ મોદીનો પત્ર
પીએમ મોદીએ X (ટ્વિટર) પર લખ્યું કે જીએસટી બચત ઉત્સવ’ સાથે આ તહેવારોની મોસમને નવા ઉત્સાહ અને નવા ઉમંગ અને નવા જોશથી ભરી દો! જીએસટીના નવા દરોનો અર્થ એ છે કે દરેક ઘર માટે વધુને વધુ બચત, સાથે વેપાર અને વ્યવસાય માટે મોટી રાહત.
પીએમ મોદીએ લખ્યું કે શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિના તહેવાર પર તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી પ્રાર્થના છે કે આ તહેવાર તમારા બધાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. આ વર્ષે તહેવારોમાં આપણને વધુ એક ભેટ મળી રહી છે. 22 સપ્ટેમ્બરથી નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ લાગુ થવાથી દેશભરમાં ‘જીએસટી બચત ઉત્સવ’ શરૂ થઈ ગયો છે. આ રિફોર્મ્સથી ખેડૂતો, મહિલાઓ, યુવાનો, ગરીબ, મધ્યમ વર્ગ, વેપારીઓ, નાના ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, દરેકને લાભ મળશે. ’
તેમણે લખ્યું કે નવા જીએસટી સુધારાની ખાસિયત એ છે કે હવે મુખ્યત્વે માત્ર બે સ્લેબ હશે. રોજિંદા આવશ્યક ચીજો જેવી કે ખોરાક, દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ અને અન્ય ઘણી વસ્તુઓ હવે ટેક્સ મુક્ત રહેશે અથવા 5 ટકાના સૌથી નીચા સ્લેબમાં આવશે. હવે ઘર બનાવવું, કાર ખરીદવી, બહાર જમવું, પરિવાર સાથે વેકેશન માણવું, આવા સપના પૂરા કરવા માટે આસાન બનશે. હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટી પણ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. મને એ જોઈને આનંદ થાય છે કે ઘણા દુકાનદારો અને વેપારીઓ ‘પહેલાં અને હવે’ના બોર્ડ લગાવી રહ્યા છે અને લોકોને જણાવી રહ્યા છે કે એક સામાન કેટલું સસ્તો થઈ ગયો છે.
પ્રધાનમંત્રીએ લખ્યું કે અમારી જીએસટીની સફર વર્ષ 2017માં શરૂ થઈ હતી. તે સમયે અનેક પ્રકારના કર અને ટોલની ઝંઝટમાંથી દેશને મુક્તિ મળી હતી. તેનાથી ગ્રાહકો, વેપારીઓઓને ઘણી રાહત મળી હતી. હવે આ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા આપણ આગળ લઈ જઈ રહ્યા છે. આમાં સિસ્ટમને વધુ સરળ બનાવવામાં આવી છે. આનાથી આપણા દુકાનદારો અને નાના ઉદ્યોગોની સુવિધામાં વધુ વધારો થશે.
પીએમ લખ્યું કે નાગરિક દેવો ભવ એ અમારો મંત્ર છે. છેલ્લા 11 વર્ષમાં 25 કરોડ લોકો અમારા પ્રયાસોથી ગરીબીમાંથી બહાર આવ્યા છે. દેશમાં એક નિયો-મિડલ ક્લાસ ઊભો થયો છે. હવે તેને વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. અમે મધ્યમ વર્ગને પણ મજબૂત કર્યો છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો નથી. જો આપણે આવકવેરામાં છૂટ અને નવા જીએસટી સુધારાને એક સાથે કરીશું તો દેશવાસીઓના વાર્ષિક લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થશે.
આ પણ વાંચો – GST 2.0: જીએસટી સુધારાથી ગ્રાહકોને મોજ; બજાજે લોન્ચ કરી ‘હેટ્રિક ઓફર’
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આ હાંસલ કરવા માટે આત્મનિર્ભરતાના માર્ગ પર ચાલવું જરૂરી છે. જીએસટીના નવા સુધારાથી આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળશે. આત્મનિર્ભરતા માટે આપણે સ્વદેશીને આપણા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. કોઈ પણ બ્રાન્ડ હોય, કોઈ કંપની હોય, જો તેમાં ભારતીય કામદારો અને કારીગરોની મહેનત લાગેલી છે તો તે સ્વદેશી છે.
જ્યારે પણ તમે તમારા દેશના કારીગરો, તમારા શ્રમિકો અને ઉદ્યોગો દ્વારા બનાવેલ સામાન ખરીદો છો ત્યારે તમે ઘણા પરિવારોની આજીવિકા માટે મદદ કરો છો, દેશના યુવાનોને રોજગારીનું સર્જન કરો છો. હું આપણા દુકાનદારો અને વેપારીઓને પણ અપીલ કરું છું કે તેઓ માત્ર સ્વદેશી સામાન જ વેચે.