Gujarat Rain Updates, Red Alert : ગુજરાતમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. અનેક જિલ્લાઓમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને જોતા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે લઈ જવા માટે વહીવટી તંત્રની ટીમો તૈનાત કરવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયાના અહેવાલ છે.
રાજકોટમાં ભારે વરસાદના કારણે લોકમેળો રદ
રાજકોટ ભારે વરસાદના કારણે લોકમેળો આજથી રદ કરવામાં આવ્યો છે. સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તેમજ ડિપોઝિટની રકમ 100 ટકા પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને મેળો રદ કરવાનો આદેશ આપતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આજથી મેળો કેન્સલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદના પગલે બે દિવસમાં 7ના મોત
સોમવારથી અત્યાર સુધીમાં રાજ્યમાં અવિરત વરસાદને કારણે ગુજરાતમાં સાત લોકોના મોત થયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. આ ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં 100 લોકોના મોત નોંધાયા છે.
ગુજરાતમાં ભારે વરસાદના પગલે 96 ડેમો હાઈ એલર્ટ પર
ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઉપરવાસથી પાણીની આવક વધતાં 96 ડેમો હાઈ એલર્ટ ઉપર છે જ્યારે 19 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ ઉપર છે. આ ઉપરાંત 76 ડેમો 100 ટકા ભરાયા છે. જ્યારે 46 ડેમો 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 23 ડેમ એવા છે જેમાં પાણીનો સંગ્રહ 50થી 70 ટકા વચ્ચે છે. 30 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત 31 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.
ગુજરાતમાં 15 નદીઓ ઓવરફ્લો થઈ રહી છે
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી આવતા પાણીના પગલે રાજ્યની નદીઓ મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે જેમાં 15 નદીઓ ઓવરફોઈંગ થઈ રહી છે. જ્યારે 21 તળાવો અને ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે
ગુજરાતમાં 24 કલાકમાં 254 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આકંડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં 254 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 28 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 65 તાલુકામાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 111 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.