Today News in Gujarati, 7 February 2024,આજના તાજા સમાચાર : આજે બુધવારને 7 ફેબ્રુઆરી છે. ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનેલી આજની મુખ્ય તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.

ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું
ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ થઈ ગયું છે. ઉત્તરાખંડ દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે જેણે એક સમાન કાયદો બનાવ્યો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ ભાજપે યુસીસીને તેના સંકલ્પ પત્રનો એક ભાગ બનાવ્યો હતો અને હવે તેને વિધાનસભામાંથી પાસ પણ કરાવી દીધું છે. રાજ્યપાલની સહી બાદ તેનો અમલ પણ સત્તાવાર રીતે કરવામાં આવશે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઉત્તરાખંડ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે દેશમાં લાંબા સમયથી માંગણી કરી રહેલું આ ખાસ વિધેયક દેવભૂમિની વિભાનસભામાં રજૂ કરીને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કે તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી અમને ઉત્તરાખંડ વિધાનસભામાં આ બિલ પસાર કરવાની તક મળી.
























